તાંત્રિક વિધિની બહાને યુવતી પર દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષ કેદની સજા

Rudra
By Rudra 4 Min Read

સુરત : આઠ વર્ષ પહેલા સુરતના ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિસાગરને સેશન્સ કોર્ટે શુક્રવારે (4 એપ્રિલ) દોષિત ઠેરવ્યા છે. એડિશનલ સેશન જજની કોર્ટે શાંતિ સાગરને 10 વર્ષની સજા ફટકારી છે. ફરિયાદ દાખલ થયા બાદ છેલ્લાં આઠ વર્ષથી જૈનમુનિ જેલમાં જ છે. તેને જામીન પણ મળ્યા નથી.
આ ઘટનામાં આઠ વર્ષ પહેલા સુરતના નાનપુરા ટીમલીયાવાડ સ્થિત દિગંબર જૈન ઉપાશ્રયમા મૂળ મધ્યપ્રદેશની વતની તથા વડોદરામાં રહેતી 19 વર્ષીય શ્રાવિકા યુવતિને પરિવાર સાથે ધાર્મિક વિધિના નામે બોલાવી દુષ્કર્મ આચરવાના ગુનામાં અઠવા પોલીસે જેલભેગા કરેલાં આરોપી દિગંબર જૈન મુની શાંતિ સાગરજી મહારાજ ને આજે એડીશનલ સેશન્સ જજ એ. કે. શાહે ૩૭૬(૧) તથા ૩૭૬(૨)(એફ) એમ બંને ગુનામાં આરોપીને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદ અને 50 હજાર દંડ કરવામાં આવ્યો છે. જો દંડ ન ભરે તો વધુ છ મહિનાની કેદ થશે. આ સિવાય પીડિતાને આર્થિક વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

આ ઘટનામાં ભોગ બનનાર યુવતી મૂળ મઘ્યપ્રદેશની વતની તથા વડોદરા ખાતે રહેતી 19 વર્ષની ભોગ બનનાર શ્રાવિકા યુવતીએ ગઈ પહેલી ઓક્ટોબર, 2017ના રોજ નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મઘ્યપ્રદેશના ગુનાના વતની 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે (ગીરીરાજ) સજનલાલ શર્મા વિરુદ્ધ અઠવા પોલીસમાં ૩૭૬ (૧), ૩૭૬(૨) (એફ) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ માર્ચ – 2017થી ફરિયાદી શ્રાવિકા યુવતી તથા તેના પરિવારે આરોપી શાંતિ સાગરજી ને ગુરુ માન્યા હતા. જે વિશ્વાસનો ફાયદો ઉઠાવી આરોપી શાંતિસાગરજી મહારાજે બનાવના દિવસે શ્રાવિકા તથા તેના માતા-પિતા તથા ભાઈ સાથે રાત્રે દર્શન કરવા માટે બોલાવ્યા હતા. માતાપિતાને વિધી કરવાના બહાને અલગ રૂમમાં બેસાડીને જાપ જપવા જણાવીને ‘ગમે તે થઈ જાય પણ હું ના કહું ત્યાં સુધી તમારે આ ગોળ ચક્કરમાંથી બહાર આવવાનું નથી‘ એમ કહેતા તેમણે જાપ ચાલુ રાખ્યા હતા.

આ દરમિયાન જૈન મુનિએ ભાગ બનનાર શ્રાવિકા અને તેના ભાઇને ઇશારો કરી પોતાની સાથે લઇ ગયા બાદ શ્રાવિકાને અન્ય રૂમમાં એકલી લઇ ગયા હતા. જ્યાં જૈન મુનિએ ‘આજે દિવસ સારો છે તારે શું જાેઈએ છે? પૂછતા પીડિતાએ મારા માતા પિતા અને હું ખુશ રહીએ તેમ જવાબ આપ્યો હતો. જેથી જૈન મુનિએ ભોગ બનનારના શરીર પર હાથ ફેરવીને કપડા કાઢી નાખીને ચટાઈ પર સુઈ જવાનું કહીને ધાક ધમકી આપી હતી કે ‘જરા પણ અવાજ થશે તો તારા મમ્મી પપ્પાને કંઈક થઈ જશે‘ બાદમાં ધાર્મિક વિધીના બહાને શ્રાવિકા સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ ધમકી આપી હતી કે, હું જ્યારે જ્યારે તને બોલાવું ત્યારે તારે આવવું પડશે અને કોઈને આ વાત કહીશ તો તારા માતાપિતા મરી જશે.

ફરિયાદ બાદ દિગંબર જૈનમુનિ શાંતિસાગર મહારાજની અઠવા પોલીસના પીઆઈ કે. કે. ઝાલાએ ધરપકડ કરી હતી. બાદમાં 51 પંચસાક્ષી તથા 62 દસ્તાવેજી પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કર્યુ હતું. આઠ વર્ષથી જેલવાસ ભોગવતા આરોપી જૈનમુનિ સામે કેસની અંતિમ સુનાવણી બાદ શુક્રવારે મોડી સાંજે કોર્ટે આરોપી શાંતિસાગરજી મહારાજને ઈપીકો-૩૭૬(૧) તથા ૩૭૬ (૨) (એફ)ના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતાં અને શનિવારે (5 એપ્રિલ) તેમને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

Share This Article