અમરાવતી : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ રાજ્યમાં એકના બદલે પાંચ નાયબ મુખ્યમંત્રી રાખવાનો નિર્ણય કર્યો છે. હજુ સુધી દેશના કોઈ પણ રાજ્યમાં આ પ્રકારની વ્યવસ્થા અગાઉ અમલી કરવામાં આવી ન હતી. રેડ્ડી મંત્રીમંડળમાં અનુસુચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગ, લઘુમતિ અને કાપુ સમુદાયમાંથી એક એક નાયબ મુખ્યમંત્રી રહેશે. આજે પાર્ટીના ધારાસભ્યોની બેઠક બાદ તેઓએ આ મુજબની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી કેમ્પ ઓફિસમાં તમામ ચુંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. બેઠકને સંબોધતા જગનમોહન રેડ્ડીએ કહ્યું હતું કે, નવા મંત્રીઓને લોકોની ભાવનાઓ ધ્યાનમાં લઈને પસંદ કરશે.
તેમણે કહ્યું છે કે, ૨૫ સભ્યોની મંત્રીપરિષદની શપથવિધિ શનિવારના દિવસે થશે. રેડ્ડીના આ નિર્ણય બાદ પાર્ટીના ધારાસભ્યોએ ખુશી વ્યક્ત કરી છે. જગનમોહન ભારતના હજુ સુધીના સૌથી સારા મુખ્યમંત્રી તરીકે સાબિત થશે. રેડ્ડીએ કહ્યું છે કે, અઢી વર્ષના ગાળા બાદ કેબિનેટમાં જરૂરી ફેરફાર કરશે. લોકોની સમસ્યાઓને લઈને સાવધાનીથી કામ કરવા તમામ ધારાસભ્યોને રેડ્ડીએ અપીલ કરી છે. રેડ્ડીએ કહ્યું છે કે, લોકોની નજર સરકારના દેખાવ ઉપર હોય છે. લોકોને સરકાર અને અગાઉની સરકાર વચ્ચે અંતરની સ્થિતિ રજુ કરવાનો સમય છે.
રાજ્યમાં શાનદાર દેખાવ કરીને હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રેડ્ડીની પાર્ટીએ ૧૭૫માંથી ૧૫૧ સીટો પોતાના નામ પર કરી લીધી હતી. ચંદ્રબાબુ નાયડુ તેલુગુ દેશમ પાર્ટીને આગનો સામનો કરવો પડ્યો હતો. આ પાર્ટીને માત્ર ૨૩ સીટો હાથ લાગી હતી. જગનમોહન રેડ્ડીની રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે તાજપોશી કરવામાં આવનાર છે. શપથવિધિને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી ગઈ છે. જગનમોહન રેડ્ડી પોતાની પાર્ટીના દેખાવને લઈને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.