અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગામી તા.૪ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ૧૪૨મી ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા નીકળનાર છે ત્યારે આજે જેઠ સુદ પૂનમ તા.૧૭મી જૂનના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા નીકાળવામાં આવી હતી. શણગારેલા ગજરાજા અને પચરંગી ધજા-પતાકાઓ સાથે ૧૦૮ કળશને લઇ નીકળેલી જળયાત્રા સોમનાથ ભુદરના આરે પહોંચી હતી, જયાં મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગંગાપૂજન કરી નદીનું પવિત્ર જળ ૧૦૮ કળશમાં ભર્યું હતું.
આ પ્રસંગે શહેરના મેયર શ્રીમતી બીજલબહેન પટેલ પણ હાજર રહ્યા હતા. પવિત્ર નદીઓના જળને કળશમાં ગ્રહણ કર્યા બાદ જળયાત્રા નિજમંદિરે વાજતે ગાજતે પરત ફરી હતી. બાદમાં ભારે ભકિતભાવ અને શા†ોકત વિધિ સાથે ષોડસોપચાર પૂજનવિધિ વચ્ચે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની જયેષ્ઠાભિષેક(મહાજળાભિષેક) વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ભગવાનના જયેષ્ઠાભિષેક બાદ ભગવાન જગન્નાથજી અને ભાઇ બલરામને સુંદર અને મનમોહક ગજવેશ ધારણ કરાવવામાં આવ્યો હતો. સમગ્ર વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે કે જયારે ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવે છે અને તેથી પ્રભુના ગજવેશ શણગારના દર્શન માટે જગન્નાથજી મંદિર ખાતે હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને જય જગન્નાથના નારાજ લગાવ્યા હતા. આ સાથે જ આજથી જેઠ સુદ પૂનમથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી સરસપુર ખાતેના તેમના મોસાળમાં પંદર દિવસ માટે રહેવા ગયા હતા.
અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરેથી આજે જેઠ સુદ પુનમના દિવસે વહેલી સવારે નીકળેલી જળયાત્રામાં શણગારેલા ગજરાજા, ૧૦૮ પવિત્ર કળશ, ૧૫૧ ધ્વજ પતાકા, બેન્ડવાજા અને સેંકડો શ્રધ્ધાળુ ભકતો જાડાયા હતા. જળયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે જળ ભરવા માટે આવી પહોંચી હતી. જયાં મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર શ્રીમતી બીજલબહેન પટેલ સહિતના મહાનુભાવોએ ગંગાપૂજન કરી નદીની આરતી ઉતારી હતી અને ત્યારબાદ નદીમાં પવિત્ર જળના ૧૦૮ કળશ ભર્યા હતા. ત્યારબાદ જળયાત્રા વાજતેગાજતે નિજમંદિરે પરત ફરી હતી અને બાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામનો ષોડસોપચાર પૂજનવિધિ સાથે જયેષ્ઠાભિષેક કરવામાં આવ્યો હતો. એ પછી ભગવાનને ગુલાબજળ, ગંગાજળ અને કેસરનું સ્નાન કરાવાયું હતું. ત્યારબાદ પ્રભુને દૂધ, દહીં, ઘી, મધ અને સાકર એમ પંચામૃતનું સ્નાન પણ કરાવાયું હતું.
એ પછી ભગવાનને ચંદનથી વિશેષ સ્નાન કરાવાયું હતું અને ફરી છેલ્લે શુધ્ધોદક સ્નાન કરાવી ભગવાનની જયેષ્ઠાભિષેક વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ભગવાનના જયેષ્ઠાભિષેક બાદ ભગવાન જગન્નાથજી અને ભાઇ બલરામને અતિસુંદર અને મનમોહક એવો ગજવેશ(ગણપતિના સ્વરૂપનો) શૃંગાર કરવામાં આવ્યો હતો, જેને નિહાળવા મંદિરમાં હજારો શ્રધ્ધાળુ ભકતોએ આજે પડાપડી કરી હતી. મંદિરમાં જય જગન્નાથ, જય જગન્નાથ…મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે..ના ભકિતનારા લાગ્યા હતા, જેને લઇ સમગ્ર વાતાવરણ ભકિતમય બની રહ્યું હતું. ભગવાનના ગજવેશ દર્શન બાદ ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન જ ઉપલબ્ધ બનાવાયા હતા, એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવ્યા હતા.
માન્યતા અનુસાર ભગવાન જગન્નાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી. આજે ભગવાનની પ્રતિકૃતિ સ્વરૂપ ઝાંખીના દર્શન થાય તે હેતુથી વાજતે ગાજતે, બેન્ડવાજા અને બગી ગાડી સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રની શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી. સાંજે છ વાગ્યે વાજેત ગાજતે અને રંગેચંગે ભગવાન જગન્નાથજીએ સરસપુરના રણછોડરાયજી મંદિરસ્થિત પોતાના મોસાળમાં પધરામણી કરી હતી. તા.૧૭મી જૂનથી તા.૨ જૂલાઇ દરમ્યાન ભગવાન મોસાળમાં જ રહેશે. મોસાળથી ભગવાન પરત નિજમંદિરે આવ્યા બાદ અષાઢી બીજના રોજ ભગવાનના દર્શન થશે અને એ દિવસે જગન્નાથજી બહેન સુભદ્રાજી, ભાઇ બલભદ્ર સાથે લોકોના ખબર અંતર કાઢવા નગરયાત્રાએ નીકળશે.