જગન્નાથ એટલે જગતનો નાથ. કે જેમનાથી સૃષ્ટિનું સર્જન થાય છે અને વિસર્જન પણ. સંપૂર્ણ જગત જેઓ ના આધીન છે તે. સમગ્ર બ્રહ્માંડ, સૃષ્ટિ પર ની સર્વ યોનિઓ અને તેમાં વસતા મનુષ્ય પ્રાણી અને જીવ માત્ર ને માત્ર પ્રભુ ના વશમાં તો છે. કે તેમની જ ઈચ્છાથી આ સર્વે નું સર્જન થાય છે અને તેમની જ ઈચ્છા હતી વિસર્જન પણ.
અને એજ શ્રી જગન્નાથ પ્રભુ ની ૧૪૨ મી રથયાત્રા નો આજ રોજ અષાઢ સુદ-બીજ સંવત ૨૦૭૫ એ પ્રારંભ થઇ ચુક્યો છે. અને નગરજનો ખૂબ જ ભક્તિભાવથી પ્રભુ જગન્નાથનો સ્વાગત કરી રહ્યા છે. નગરજનોએ ભગવાન જગન્નાથનો રથ આવી રહ્યો હોવાની ખુશીમાં નગરને સાફ સુથરું કરી, તોરણોથી સજાવી, પુષ્પોનો શૃંગાર કરી, રંગોળી પુરી નગરને રંગીન બનાવી દીધું છે. કે જેથી પ્રભુનું આગમન આ ઈંટ – રેતીના બનેલા સ્થૂળ નગરમાં થતાંની સાથે સાથે તેઓના આંતરમનમાં કે જે ભક્તિભાવ અને સંપૂર્ણ શ્રદ્ધાથી સજાવેલ છે તેમાં પણ થાય. પ્રભુની દિવ્ય દૃષ્ટિ પડે અને તેઓના સર્વ પાપો અને કષ્ટો નાશ થાય.
પ્રભુ આ દેહદ્વારી જીવાત્માના નગરમાં આગમન કરે છે ત્યારે નગરના રાજા ખુદ સોનાની સાવરણીથી આ રથની આસપાસ સાફ સફાઈ કરે છે, જેને પહિંદવિધિ કહેવાય છે અને પ્રથમ રાજાથી રથ ખેંચવાનો પ્રારંભ થાય છે. સમગ્ર વર્ષ દરમિયાન આ એક જ પ્રસંગ છે કે જ્યારે પ્રભુ પોતે પોતાના ભાઈ અને બહેન સાથે નગર વિહાર કરે છે અને સ્વયં ભક્તો ની પાસે જઈ તેમને દર્શન આપે છે અને તેમની સર્વ મનોકામના પૂર્ણ કરે છે. ભક્તો માટે આ એક અનેરો છે અને એટલે જ અહીં અસંખ્ય ભીડ જોવા મળે છે હજારો લાખોની સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાય છે અને આ પ્રસંગ ઉમંગભેર ઉજવાય છે.
આમ તો રથયાત્રા પાછળ અનેક કથાઓ જોડાયેલી છે પરંતુ એક રોચક કથા છે કે જેનું વર્ણન કંઈક આમ છે. એક સમયે વિશ્વકર્મા ખુદ વૈશાખ સુદ આઠમે શુભ નક્ષત્રમાં ત્રણ કાષ્ટમય મૂર્તિની સ્થાપના કરે છે. અને રાજા ઇન્દ્રધુમ્નને કહે છે કે બ્રહ્માના બે પરાર્ધ સુધી આ ક્ષેત્રમાં તેઓ નિવાસ કરશે. જેઠ સુદ પૂનમે તેઓ ની જન્મ જયંતી ઉજવાશે અને તે દિવસથી પંદર દિવસ સુધી મંદિર બંધ રહેશે. અને અષાઢ સુદ બીજના દિવસે પ્રભુ સ્વયં રથમાં સવાર થઈ ભકતોને દર્શન આપશે. અને તે દિવસ એટલે “રથયાત્રા”
પ્રભુ જગન્નાથની રથયાત્રા ભક્તિ માર્ગ પર આગળ વધી રહી છે ને આપણે સૌ આ ભક્તિમાર્ગ પર પૂર્ણ શ્રદ્ધા, નવધા ભક્તિ, પ્રેમ, સમર્પણ, સ્વચ્છ અને નિર્મળ મન સાથે આ યાત્રા માં જોડાઈશુ ત્યારે જ આપણા અંતર મનમાં રહેલા અંધકાર પણ વિંધાશે અને જીવાત્મા સર્વ પાપોથી મુક્ત થઈ પરમ સુખને પામશે.
- રાજશ્રી સાગર