નેધરલેન્ડના શહેર હેગમાં સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસે ભારતીય નૌકાસેનાના સેવાનિવૃત અધિકારી કુલભુષણ જાધવના મામલામાં જે ફેંસલો આપ્યો છે તેનાથી ભારતને ચોક્કસપણે રાહત થઇ છે. કોર્ટે જાધવની ફાંસી પર પ્રતિબંધ મુકીને પાકિસ્તાન પર આ મામલે ફરીથી વિચારણા કરવા માટે દબાણ લાવ્યુ છે. સાથે સાથે કોર્ટે જાધવના મામલે કાઉન્સલર એક્સેસ આપવા માટેનો આદેશ પણ કર્યો છે. કોર્ટે કબુલાત કરી છે કે જાધવને આટલા સમય સુધી કાયદાકીય સહાય ન આપીને પાકિસ્તાને વિયેના સમજુતીનો ભંગ કર્યો છે. ઇન્ટરનેશનલ કોર્ટે કહ્યુ છે કે આ સમગ્ર મામલામાં પાકિસ્તાનના બંધારણ મુજબ સુનાવણી કરવામાં આવે તે જરૂરી છે. આનો અર્થ સાફ છે કે પાકિસ્તાનની સેનાની કોર્ટમાં તો નિષ્પક્ષ સુનાવણી કરાશે નહીં.
ત્રીજી માર્ચ ૨૦૧૬ના દિવસે પાકિસ્તાને એવી દલીલ કરી હતી કે જાધવ બલુચિસ્તાનમાં જાસુસીના મામલે પકડાઇ ગયો હતો. ભારતે કબુલાત કરી છે કે કુલભુષણ ભારતીય નાગરિક છે. જો કે તે જાસુસી પ્રક્રિયામાં સામેલ નથી. નવી દિલ્હીએ આના માટે અપહરણનુ કાવતરુ ગણાવીને સ્પષ્ટ કર્યુ છે કે કુલભુષણ ઇરાનમાં રહીને કાયદાકીય રીતે પોતાના કારોબારને ચલાવી રહ્યા હતા. ૧૦મી એપ્રિલ ૨૦૧૭ના દિવસે પાકિસ્તાનની સેનાના જનસંપર્ક વિભાગે પ્રેસ રિલિઝ જારી કરીને કહ્યુ હતુ કે જાધવને એક સૈન્ય કોર્ટે ફાંસીની સજા કરી છે. ભારતે આના પર જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. સાથે સાથે ચુકાદાની સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટે સુનાવણી પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી જાધવની સજા પણ પ્રતિબંધ મુકી દીધો છે. હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કહી રહ્યા છે કે પાકિસ્તાન આ મામલે આગળની કાર્યવાહી તો કાનુન મુજબ જ કરશે. શક્ય છે કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં આની સુનાવણી કરાશે. જા આવુ થશે તો ભારત જાધવને કાયદાકીય સહાય ઉપલબ્ધ કરાવશે.
જો કે હવે ત્યાં પણ જા નિષ્પક્ષ સુનાવણી કરાશે નહીં તો ભારત ત્યારબાદ ફરી ઇન્ટરનેશનલ કોર્ટમાં જઇ શકે છે. સામાન્ય રીતે જોવામાં આવે તો આઇસીજેની પાસે પોતાની રીતે ચુકાદાને લાગુ કરવાની કોઇ શÂક્ત નથી. જેથી તે માત્ર સંયુક્ત રાષ્ટ્રને ભલામણ કરી શકે છે. જ્યાં પાંચ સ્થાયી સભ્ય દેશો અને ચાર અસ્થાયી સભ્યો તેની તરફેણમાં રહે તે જરૂરી છે. સુરક્ષા પરિષદની મંજુરી બાદ પાકિસ્તાનની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. પરંતુ પૂર્ણ શક્યતા એ પણ છે કે પાકિસ્તાનની તરફેણમાં ચીન હમેંશાની જેમ રહેશે.જેથી રાજદ્ધારી સ્તર પર ભારતને જારદાર સક્રિય રહીને વિશ્વ સમુદાય સમક્ષ સતત નક્કર પુરાવા રજૂ કરતા રહેવા પડશે. કબુલાતનામા માટે જે વિડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં ૨૯ કટ રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાન સરકારના સુરક્ષા સલાહકાર સરતાજ અઝીજ થોડાક સમય પહેલા કહી ગયા હતા કે જાધવની સામે કોઇ નક્કર પુરાવા નથી. જો કે મોડેથી સરતાજે ગુલાંટ મારી હતી. રચનાત્મક પરિણામ તો પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ મારફતે જ લવાશે.કુલભૂષણ જાધવના મામલામાં ભારતને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં એ વખતે મોટી સફળતા હાથ લાગી હતી જ્યારે ૧૭મી જુલાઇના દિવસે પોતાના ૪૨ પાનાના ચુકાદામાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે) દ્વારા જાધવની ફાંસીની સજા ઉપર રોક લગાવીને પાકિસ્તાનને સજાની સમીક્ષા કરવા માટે આદેશ કર્યો હતો. સાથે સાથે જાધવ સુધી ભારતને કાઉન્સિલર એક્સેસ આપવા માટે પણ આદેશ કર્યો હતો. પાકિસ્તાનની એક લશ્કરી અદાલતે જાધવને ભારત તરફથી જાસુસી કરવા અને આતંકવાદમાં સામેલ હોવાના મામલામાં દોષિત ઠેરવીને ફાંસીની સજા ફટકારી હતી. ૨૧મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે આઈસીજે દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. ચુકાદો આપતા આઈસીજેના પ્રમુખ અબ્દુલ કવી અહેમદ યુસુફે પાકિસ્તાનને કુલભુષણ સુધીર જાધવની સજા ઉપર ફેરવિચારણા કરવા અને અસરકારક સમીક્ષા કરવાનો આદેશ કર્યો હતો.
આ પહેલા ૨૧મી ફેબ્રુઆરીના દિવસે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. તે વખતે સુનાવણી પુરી કરીલેવામાં આવી હતી. ચુકાદો અનામત રાખ્યા બાદ આશરે પાંચ મહિના પછી જજ યુસુફના નેતૃત્વમાં પાંચ સભ્યોની બેંચે પોતાનો ચુકાદો આપ્યો હતો. જાધવની મૃત્યુદંડની સજા ઉપર આઈસીજે દ્વારા મે ૨૦૧૭માં જે પ્રતિબંધ મુક્યો હતો તે જારી રહેશે. ઇન્ટરનેશનલ કોર્ટના ચુકાદા બાદ ભારતીય હાઇકમિશનર જાધવને મળી શકશે અને તેમને વકીલ અને અન્ય કાયદાકીય સુવિધાઓ આપી શકશે. ભારતની અપીલને સ્વીકાર ન કરવાની દલીલ ૧૫-૧થી ફગાવી દેવામાં આવી હતી. પાકિસ્તાને ભારતની અપીલની સામે જે દલીલો કરી હતી તેમાં એક દલીલ એ હતી કે, આઈસીજેમાં ભારતની અરજી સ્વીકાર કરવા માટે લાયક નથી. આઈસીજે દ્વારા ભારતની તરફેણમાં ૧૫-૧થી ચુકાદો આપીને પાકિસ્તાનની રજૂઆતોને ફગાવી દીધી હતી.