સરકારે વરિષ્ઠ નાગરિકોની પેન્શન યોજના વડાપ્રધાન વય વંદન યોજનાના ગ્રાહકો માટે આધાર જરૂરી કરી દીધુ છે. આ યોજના વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક ૮ ટકા રિટર્ન આપે છે. ભારતીય જીવન વીમા નિગમ LIC આ યોજનાને ઓપરેટ કરે છે. ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ના સામાન્ય બજેટમાં તેની જાહેરાત થઈ હતી.
ફાઈનાન્સ મિનિસ્ટ્રીના નોટિફિકેશન મુજબ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરનારા લોકોએ આધાર સંખ્યા કે પછી આધારની પ્રોસેસની જાણકારી આપવી જરૂરી રહેશે. આ નોટિફિકેશન આધાર (નાણાકીય અને અન્ય સબસિડી, લાભ તથા સેવાઓના નિર્ધારિત વિતરણ) અધિનિયમ, ૨૦૧૬ હેઠળ ૨૩ ડિસેમ્બરના રોજ બહાર પડાયું છે.
આ નોટિફિકેશનમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગતી હોય પરંતુ તેની પાસે આધાર નંબર ન હોય કે પછી તેણે આધાર માટે રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તેણે આ યોજનાનો લાભ લેવા અરજી કરતા પહેલા આધાર માટે નામાંકન કે પછી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. બાયોમેટ્રિક દ્વારા જો આધારની ચકાસણી ન થઈ શકે તો આવા કેસોમાં નાણાકીય સેવા વિભાગ પોતાની કાર્યરત એજન્સી દ્વારા લાભાર્થીઓ માટે આધાર નંબર મેળવવામાં મદદ માટે જોગવાઈ કરશે. આ ઉપરાંત આવા કેસોમાં બાયોમેટ્રિક કે આધાર ઓટીપી કે સમય આધારિત ઓટીપીથી વેરિફિકેશન શક્ય નથી, તેમાં આધાર કાર્ડ આપીને યોજનાનો લાભ લઈ શકાય છે. આધાર પર છપાયેલા ક્યૂઆર કોડના માધ્યમથી તેને વેરિફાય કરી શકાય છે.