નવીદિલ્હી : મૂલ્યાંકન વર્ષ ૨૦૧૮-૧૯માં હજુ સુધી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનાર લોકોની સંખ્યા ૫૦ ટકા સુધી વધીને ૬.૦૮ કરોડ સુધી પહોંચી ગઈ છે. ટોચના અધિકારીઓએ આજે માહિતી આપતા કહ્યું છે કે, ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. સીબીડીટીના વડા સુશીલચંદ્ર દ્વારા વિશ્વાસ વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે, રેવન્યુ વિભાગે વર્તમાન નાણાંકીય વર્ષ માટે ૧૧.૫ લાખ કરોડ રૂપિયાના પ્રત્યક્ષ કરવેરા વસુલાતના ટાર્ગેટને હાંસલ કરી લેવામાં આવશે.
૨૧મી માર્ચ ૨૦૧૯ના દિવસે પુરા થઇ રહેલા વર્તમાન નાણાંકીય વર્ષ માટે ૧૧.૯ લાખ કરોડના પ્રત્યક્ષ કરવેરા વસુલાતના ટાર્ગેટને હાંસલ કરી લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, દેશમાં કરવેરાની જાળને વધારવામાં નોટબંધી ખુબ અસરકારક પગલું સાબિત થયું છે. આ વર્ષે હજુ સુધી રિટર્નરુપે ૬.૦૮ કરોડ રૂપિયા મળી ગયા છે જે ચોક્કસ તારીખ સુધી ગયા વર્ષ કરતા ૫૦ ટકા વધારે છે. નોટબંધીની અસર જાવા મળી રહી છે.
તેમણે કહ્યું હતું કે, આમા ચોક્કસ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ ફાઇલિંગનો આંકડો ૬.૦૮ કરોડ સુધી પહોંચી ગયો છે. રેવન્યુ વિભાગે ખુબ જ આશા વ્યક્ત કરી છે. નવેમ્બર ૨૦૧૬માં સરકારે કાળા નાણાં ઉપર અંકુશ મુકવાના હેતુસર રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટને રદ કરી દીધી હતી. ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ ગ્રોથરેટ ૧૬.૫ ટકાનો રહ્યો છે જ્યારે નેટ ડાયરેક્ટ ટેક્સ ગ્રોથરેટ ૧૪.૫ ટકાનો રહ્યો છે જે દર્શાવે છે કે, નોટબંધી ટેક્સની જાળને વધારવામાં અસરકારક સાબિત થાય છે.