અમદાવાદ : ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદનું ખાસ જોર ન હોવા છતાં શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મળી કુલ ર૪થી વધુ ભુવા પડી ચૂક્યા છે, જેમાં જીવરાજપાર્ક ચાર રસ્તા અને શ્યામલ ચાર રસ્તા પાસે પડેલા ભુવાએ શહેરભરમાં ચર્ચા જગાવી છે. દરમ્યાન શ્યામલ ચાર રસ્તાના ભૂવાના સમારકામમાં એક અથવા બીજા પ્રકારની ટેકનિકલ બાબતોના કારણે ઓછામાં ઓછો એક મહિનો લાગશે તેવી વિગત જાણવા મળી રહી છે. જેને પગલે સ્થાનિક લોકો અને આ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો-રાહદારીઓને હાલાકી ભોગવ્યા વિના કોઇ છૂટકો નથી.
હજુ તો ગયા ચોમાસામાં વરસાદના પહેલા રાઉન્ડમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ધોવાયાનું કૌભાંડ હાઇકોર્ટમાં ગાજી રહ્યું છે, લોકો પણ ઠેર ઠેર તૂટેલા રોડથી ભોગવેલી પારાવાર મુશ્કેલીની યાદ ભૂલ્યા નથી ત્યાં તો આ ચોમાસામાં બે દિવસ પડેલા માંડ પાંચ ઇંચ વરસાદને પગલે અમદાવાદમાં ફરી એકવાર ભુવાઓ અને ખાડાઓનું સામ્રાજય જાવા મળી રહ્યું છે. શહેરના જીવરાજપાર્ક, રન્નાપાર્ક, હેલ્મેટ સર્કલ, બાપુનગર, ગોમતીપુર, નિકોલ સહિતના અનેક વિસ્તારોમાં મસમોટા ભુવા પડી ગયા છે તો મોટા-મોટા ખાડાઓએ પણ જન્મ લઇ લીધો છે. કેટલાક ભુવા અને ખાડાઓ તો એટલા જાખમી છે કે, જા તેમાં કોઇ પડી જાય તો ગંભીર અકસ્માત કે જાનહાનિ સર્જાઇ શકે છે.
શહેરમાં ફરી એકવાર ઉભરી આવેલા ભુવા અને ખાડાઓના સામ્રાજયને લઇ નાગરિકોમાં અમ્યુકો તંત્રના અણઘડ વહીવટ પરત્વે ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ છે. ગઇ કાલે સાંજે શ્યામલ ચાર રસ્તા પાસે મોટો ભુવો પડતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ગયા ચોમાસામાં શ્યામલ ચાર રસ્તાનું લાખો રૂપિયાના ખર્ચે રિસરફેસિંગ કરાયું હતું પરંતુ શુક્રવાર સાંજના એક જ વરસાદથી તંત્રની પોલ ખૂલી ગઇ છે. શ્યામલ ચાર રસ્તા પર રવિવારની સાંજે પ.૪પ વાગ્યે ભૂવો પડતાં તંત્ર દ્વારા તત્કાળ ભૂવા ફરતે બેરીકેડીંગ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે આ સ્થળે પાણી અને ગટરની લાઇનના શિફટીંગને લઇને ઊભી થયેલી ટેકનિકલ ગૂંચના કારણે તેને મોટરેબલ કરતાં હજુ એક મહિનો લાગશે તેમ આધારભૂત વર્તુળો જણાવી રહ્યા છે. જ્યારે જીવરાજપાર્ક ચાર રસ્તા પાસેના વિશાળકાય ભૂવાનું એક અઠવાડિયામાં પુરાણ કરાશે તેવો દાવો પણ તંત્ર દ્વારા કરાયો છે. તો, શ્યામલ ચાર રસ્તાના ભુવાનું શકય એટલી ઝડપથી રિપેરીંગ કરાશે તેવો દાવો તંત્રએ કર્યો હતો.