લખનૌ : અયોધ્યામાં રામ મંદિરના મુદ્દે રાજકીય ઘમસાણની સ્થિતિ રહેલી છે. વડાપ્રધાન મોદીએ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ પર આ મુદ્દામાં સુપ્રીમ કોર્ટમાં અડચણો ઉભી કરવાનો આક્ષેપ કર્યો હતો. બીજી બાજુ કેબિનેટ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ આ મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની આજે જોરદાર ઝાટકણી કાઢી હતી. સ્મૃતિએ કહ્યું હતું કે, દેશની પ્રજા આ બાબત સમજી રહી છે કે, આ મુદ્દા ઉપર કોંગ્રેસની રાજનીતિ શુ રહી છે.
સ્મૃતિએ કહ્યું હતું કે, દેશની જનતાને અને ખાસ કરીને રામભક્તોને કોંગ્રેસને આ પ્રશ્ન કરવો જાઇએ કે, ત્રણ રાજ્યોમાં ચૂંટણી જીતી શકાય તે માટે જ જનોઇ ધારણ કરવી જાઇએ કે કેમ. માત્ર ચૂંટણી માટે જ રાહુલે જનોઇ ધારણ કરી હોવાનો આક્ષેપ સ્મૃતિ ઇરાનીએ કર્યો હતો. રાહુલ ગાંધીના ગઢ ગણાતા અમેઠી પહોંચતા પહેલા લખનૌમાં પત્રકારો સાથે વાતચીત કરતા સ્મૃતિએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી અમેઠીમાં પહોંચી રહ્યા નથી જે સંકેત આપે છે કે, જે પોતાના સંસદીય ક્ષેત્રમાં પણ આવી રહ્યા નથી તો દેશની જનતાને સમય પર સમસ્યાનું સમાધાન કઈરીતે આપી શકે છે. રાહુલ ગાંધી પણ અમેઠી પહોંચવાના સંકેત આપી ચુક્યા છે.
રાફેલના મુદ્દા ઉપર મોદીના ટ્વિટ મારફતે રાહુલ ગાંધી પર હુમલા કરવામાં આવ્યા બાદ કેબિનેટ મંત્રીએ કહ્યું હતું કે, દેશની જનતા કોંગ્રેસની વાસ્તવિકતાને સમજી ચુકી છે. રુમમાં બેસીને ટ્વિટ કરવાની બાબત ખુબ સરળ છે. છેલ્લા ૧૫ દિવસના ગાળામાં જ સ્મૃતિ ઇરાની બીજી વખત અમેઠી પહોંચી છે. આ પહેલા અમેઠીમાં ૭૭ કરોડની યોજનાઓની ભેંટ સ્મૃતિ ઇરાની આપી ચુકી છે. થોડાક દિવસ પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ અમેઠીમાં એક જનસભા યોજી હતી. સ્મૃતિએ આજે રાઘવરામ સેવા સંસ્થા દ્વારા થાબડા વિતરણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. લોકસભાના સંયોજક રાજેશ મસાલાએ પણ કહ્યું હતુ કે, સ્મૃતિ અહીં એક સ્કુલની આધારશીલા મુકનાર છે. અન્ય કેટલાક કાર્યક્રમોમાં પણ ભાગ લેનાર છે.
સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરના મુદ્દે આજે ફરી એકવાર સુનાવણી ટળી ગઈ હતી. હવે ૧૦મી જાન્યુઆરીના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સુનાવણી પહેલા આજે સુપ્રીમ કોર્ટ ઉપર દેશભરના લોકોની નજર રહી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હિન્દુ સમુદાયના લોકોમાં ફરી એકવાર નારાજગી જાવા મળી હતી. એક પછી એક તારીખો મંદિર નિર્માણના મામલામાં પડી રહી છે ત્યારે નારાજગી દેખાઈ રહી છે. ૧૦મી જાન્યુઆરીના દિવસે હવે આ સંદર્ભમાં સુપ્રીમ દ્વારા ચુકાદો લેવામાં આવનાર છે. આજે આને લઇને જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી હતી.