પાકિસ્તાન દ્વારા અવિરતપણે રક્તપાતનો દોર જારી રાખવામાં આવ્યા બાદ દેશના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી તેમની અપેક્ષા મુજબ વધારે કઠોર કાર્યવાહી પાકિસ્તાન સામે કરવામાં આવે તેવી અપેક્ષા રાખે છે. લોકો ઇચ્છે છે કે પાકિસ્તાનને રક્તપાતનો અંત લાવવા માટે યોગ્ય બોધપાઠ ભણાવવામાં આવે અને તેની સામે નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવે. નરેન્દ્ર મોદી સરકારના શાસન કાળ દરમિયાન કાશ્મીરમાં જેટલા જવાનો શહીદ થયા છે અને જેટલા લોકો માર્યા ગયા છે તેટલી સંખ્યામાં પહેલા ક્યારેય મોત થયા ન હતા. કાશ્મીર અને પાકિસ્તાન બંને મોરચે મોદી સરકારની અસ્પષ્ટ નીતિના કારણે આ સમસ્યા સર્જાઇ ગઇ છે.
દુરગામી લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યા નથી. ઇતિહાસ સાક્ષી છે કે કાશ્મીર સમસ્યા એટલા માટે સતત ગંભીર રહી છે કે કોઇ પણ સરકારે કાશ્મીર સમસ્યાને ઉકેલી દેવા માટે રોડમેપ તૈયાર કરવામાં સફળતા મેળવી નથી. સ્પષ્ટ નીતિ અને નિર્ણાયક કઠોર પગલા ન લેવાના કારણે પાકિસ્તાનની હિમ્મત સતત વધતી રહી છે. કાશ્મીર મામલે દેશના લોકોને પણ મોદી સરકાર વિશ્વાસમાં લઇ શકી નથી. આજે સ્થિતી એ સર્જાઇ છે કે કાશ્મીરમાં ત્રાસવાદના એક નેટવર્કને ખતમ કરવામાં આવે છે તો બે નવા નેટવર્ક તૈયાર થઇ રહ્યા છે. ત્રાસવાદને પોષણ આપી રહેલા પડોશી દેશ પાકિસ્તાનને બોધપાઠ ભણાવવામાં નિષ્ફળ પુરવાર થઇ રહ્યા છીએ.
આંતરરાષ્ટ્રીય સમુદાયને પોતાની તરફેણમાં કરવામાં પણ અમે નિષ્ફળ સાબિત થઇ રહ્યા છીએ. અગાઉની સરકારો વોટબેંકની ચિંતા કરીને પાકિસ્તાન સામે નિર્ણાયક કાર્યવાહી કરી શકી ન હતી પરંતુ મોદી સરકાર પણ હજુ સુધી આ દિશામાં અપેક્ષા મુજબની કાર્યવાહી કરી શકી નથી. સમય આવી ગયો છે કે પાકિસ્તાનમાં રહેલા ત્રાસવાદીઓને મરણતોળ ફટકો આપવામાં આવે. પુલવામા હુમલા બાદ લોકોમાં આક્રોશ અને ભાવનાને ધ્યાનમાં લેવાનો સમય છે.