પરમપાવન જનકપૂરધામથી પ્રવાહિત રામકથાના ત્રીજા દિવસે ચારેય દૂલ્હે મહારાજની જય બોલાવી અને બાપુએ કહ્યું કે વરરાજાનો અર્થ પણ ભગવાન છે અને ભગવાનનો અર્થ વરરાજા છે!જે રીતે યશ, શ્રી,ઐશ્વર્ય,ધર્મ,જ્ઞાન અને વૈરાગ્ય એ છ ભગ જેનામાં છે એ ભગવાન છે.
વરરાજામાં પણ આ છએ છ છે.વરનો યશ ગવાતો હોય છે,ઝૂંપડાનો પણ વરરાજો હોય એમાં ઐશ્વર્ય દેખાય છે.એ જ રીતે એમાં ધર્મ છે જ્ઞાન છે અને લગ્ન પછી વૈરાગ્ય પણ દેખાય છે.બાપુએ કહ્યું કે ગીતાજીમાં કહ્યું છે એકં સદ્ વિપ્રા બહુધા વદંતિ- ત્યારે કહેવાનું મન થાય છે કે એકં સિયા,વિપ્રા બહુધા વદંતિ- કારણકે ગીતાજીની બધી જ વિભૂતિઓનું માં જાનકીજીમાં દર્શન થાય છે: કીર્તિ,શ્રી,વાક,સ્મૃતિ,મેઘા,ધૃતિ અને ક્ષમા.તુલસીજીએ વંદના પ્રકરણમાં ત્રણ રુપ બતાવ્યા છે:
જનકસુતા જગજનની જાનકી;
અતિશય પ્રિય કરુણાનિધાન કી.
તાકે જુગપદ કમલ મનાવઉં;
જાસુ કૃપા નિર્મલ મતી પાવઉં.
જનકસુતા એ કન્યા છે,જગજનની એ માતા છે અને અતિશય પ્રિય કરુણાનિધાન એ પત્નીનું રૂપ છે.કન્યા હંમેશા શ્રોતા હોય છે,વક્તાતા નથી બનતી.દીકરી હંમેશા શ્રોતા રહે છે.જાનકીજી જ્યારે પોતાના ઘરમાં ગોબરનું લિંપણ કરતી હતી એ વખતે ધનુષ્યને એક હાથથી ઉપાડીને બીજી જગ્યાએ મૂક્યું.ધનુષ્ય અહંકાર છે,મા શીખવે છે કે અહંકારનું સ્થાન બદલો!ધનનો અહંકાર ધર્મની જગ્યાએ રાખો.કારણ કે અહંકાર છુટશે નહી.સ્ત્રી પત્ની બને ત્યારે વક્તા બની જાય છે.વેદમાં ઋચા છે કે જે પરિણીતા છે એને બોલવાનો અધિકાર છે.સ્ત્રી સશક્તિકરણની વાતો ચાલે છે દુનિયાભરમાં,ત્યારે કહું કે એક વખત વેદનું દર્શન કરો અને એ કઠિન પડે તો રામચરિત માનસનું દર્શન કરો સ્ત્રીઓને બોલવાનું અધિકાર અપાયો છે.જગજનની મા મૌન રહી, માં હંમેશા મૌન રહે છે.માનસના આધાર પર જીવનની વ્યાખ્યા શું છે? બાપુએ કહ્યું કે ચાર વાત છે:એક-વારંવાર અભાવ મહેસૂસ ન કરો.બે-પોતાના બુદ્ધ પુરુષ સિવાય જીવનમાં કોઈની પરાધીનતાનો સ્વિકાર ન કરો.ત્રણ- દરેક હાલતમાં સાવધાન રહો અને ચાર- પ્રેમમાં જીવો.
બાપુએ કહ્યું કે બીજાના દરવાજા ખખડાવવાથી નહીં ખુદનો દરવાજો ખોલવાથી આનંદ મળશે.ભાવ અને પ્રેમમાં શું અંતર છે?સ્વામી શરણાનંદજી એ સ્પષ્ટ ઉત્તર આપ્યો:ભાવ અખંડ છે,પ્રેમ અનંત છે.વૈરાગી પાંચ ધૂનિ-ધૂણી તાપે છે.એ રીતે સાધુ પંચધ્વનિ તાપે છે અને સર્જક પંચધ્યાન તાપે છે.ઝાલરનો ધ્વનિ,શંખધ્વનિ,નગારાનો ધ્વનિ,ઘંટડીનોધ્વનિ અને ઘંટનો ધ્વનિ-આ પાંચ ધ્વનિ સાધુના પંચધ્વનિ છે. શંખ જળ તત્વ,નગારું આકાશ તત્વ,ઘંટડી અગ્નિતત્ત્વ,ઝાલર પૃથ્વી તત્વ અને ઘંટ વાયુ તત્ત્વ છે. તુલસીજીએ જીવના ત્રણ પ્રકાર દેખાડ્યા છે.જનકસુતા છે ત્યાં સુધી સાધક છે,કુમારી કન્યા બહુધા સાધક હોવી જોઈએ,જગજનની એ સિદ્ધ છે અને અતિશય પ્રિય કરુણાનિધાનકી એ? વિષયા નહીં પણ વિહારિણી અને વિરહિણી છે.આ વિષય નહીં વિહાર છે.રામચરિતમાનસમાં ૪૫ વખત સિયરામ શબ્દ અને સીતારામ શબ્દ માત્ર ચાર વખત આવ્યો. કદાચ ચાર યુગ અથવા તો મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર તરફ સંકેત કરે છે.