અમદાવાદ : રાજ્યમાં રોજગારીનું પ્રમાણ વધે તે આશયથી રાજ્ય સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અનેકવિધ નીતિઓ કાર્યાન્વિત કરી છે. આઇટી અને આઇટી આધારિત સેવાઓનો વ્યાપ વધે તે માટે આવા ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવા ઇલેકટ્રોનિકસ નીતિ અને આઇ.ટી./આઇટીઇએસ નીતિ-૨૦૧૬-૨૦૨૧ અમલમાં છે જેમાં આજે રાજ્ય સરકારે મહત્વના સુધારાઓ કર્યા છે.
જેના કારણે રાજ્યમાં વધુ રોજગારીની તકો ઉપલબ્ધ બનશે, તેમ સાયન્સ અને ટેકનોલોજી વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા ઇલેકટ્રોનિકસ પોલીસીમાં જે મહત્વના સુધારા કરાયા છે તેમાં એક હયાત એકમને નીતિના સમયગાળા દરમિયાન વિસ્તરણ/વૈવિધ્યકરણનો ર વખત લાભ મળી શકશે, હયાત એકમ દ્વારા મૂળ રોકાણના પ૦ ટકા જેટલું વધારાનું રોકાણ કરાય અને તે વધારાના રોકાણના ઓછામાં ઓછા ૬૦ ટકા પ્લાન્ટ અને મશીનરીમાં રોકે તો એકમને, વિસ્તૃતીકરણનો લાભ મળશે તથા તે જ પ્રમાણે વધારાનું રોકાણ કરી હયાત પ્રોડક્ટ ઉપરાંત નવી પ્રોડક્ટ બનાવે તો તે એકમને પણ આ નીતિ હેઠળ વિસ્તૃતીકરણનો લાભ મળશે.
લાભાર્થી એકમે એકથી વધુ બેન્ક પાસેથી મૂડી રોકાણ માટેની લોન લીધી હશે તો પણ તે લોન વ્યાજ સબસીડી માટે માન્ય રહેશે. તેમજ કોઇ એકમ નવા યુનિટ તરીકે આ નીતિ હેઠળ અરજી કરતી વખતે કુલ રોકાણની જે રકમ જાહેર કરે તે રોકાણ તે એક સાથે અથવા તબક્કાવાર પણ કરી શકશે. રોજગાર/ માનવશક્તિ આધારિત આઇટી/આઇટીઇએસ નીતિમાં જે મહત્વના સુધારાઓ રાજ્ય સરકારે કર્યા છે તેમાં એક હયાત એકમને નીતિના સમયગાળા દરમિયાન વિસ્તરણ / વૈવિધ્યકરણનો ત્રણ વાર લાભ મળી શકશે. એક કરોડ જેટલું વિસ્તૃતીકરણ માટેનું રોકાણ હોય તો વિસ્તૃતીકરણ પૂર્ણ કરવા એક વર્ષનો સમય મળશે, જયારે કે એક કરોડથી વધુ રોકાણના કિસ્સામાં બે વર્ષની સમય મર્યાદા મળશે. કોઇ એકમ નવા યુનિટ તરીકે આ નીતિ હેઠળ અરજી કરતી વખતે કુલ રોકાણની જે રકમ જાહેર કરે તે રોકાણ તે એક સાથે અથવા તબક્કાવાર પણ કરી શકશે. લાભાર્થી એકમ દ્વારા એકથી વધુ બેન્ક પાસેથી મૂડી રોકાણ માટેની લોન લીધી હશે તો પણ તે લોન વ્યાજ સબસીડી માટે માન્ય રહેશે. આઇટી/આઇટીઇએસની (૨૦૧૪-૧૯) નીતિ અંતર્ગત તા. ૧૪/૧૧/૧૪ અને તા. ૧૨/૨/૧૬ દરમિયાન કરેલ અરજીના સંદર્ભમાં તે તારીખો દરમિયાન કરેલ પણ પ્રોત્સાહન માટે ધ્યાનમાં લેવામાં આવશે.