ટોપ સ્તર પર બેઠકોનો દોર જારી : પરિસ્થિતિ પર નજર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વિસ્ફોટક સ્તરે પહોંચ્યા બાદ આજે પણ બેઠકોનો દોર જારી રહ્યો હતો. ભારતમાં ટોપ સ્તરે બેઠકો જારી રહી હતી. મોડી સાંજે ભારતીય સેનાના વડા બિપીન રાવત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને ઉભી થયેલી સ્થિતિ અંગે તેમને વાકેફ કર્યા હતા. સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ બિપીન રાવત વડાપ્રધાનને મળવા માટે પહોંચ્યા હતા. બેઠકમાં અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બીજી બાજુ સરહદ પર તંગદિલી વચ્ચે ટોપ સ્તર પર બેઠકોનો દોર જારી રહ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અગાઉ વાતચીત કરી હતી. ત્યારબાદ બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહે હાજરી આપી હતી. એનએસએ ઉપરાંત ગૃહ સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકોના દોર વચ્ચે ઉભી થયેલી સ્થિતિ ઉપર પણ નજર રાખવામાં આવી રહી હતી. રાજનાથસિંહે રાજ્યોના ટોપ સુરક્ષા લીડરો સાથે બેઠક યોજી હતી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ બેઠકોનો દોર જારી રાખ્યો હતો. ચીન અને રશિયાની સાથે સુષ્મા સ્વરાજે બેઠક યોજી હતી.

ભારતે જવાબી કાર્યવાહી કર્યા બાદથી જુદા જુદા દેશોને પણ માહિતી આપવામાં આવી રહી છે. આતંકવાદના હુમલા બાદ તમામ દેશો ભારતની નીતિ સાથે ઉભા થયેલા છે. આજે ઘટનાક્રમના દોર વચ્ચે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને આર્મી વડા બિપીન રાવત, ચીફ ઓફ એરસ્ટાફ એરચીફ માર્શલ વિરેન્દ્રસિંહ ધનોવા, નેવી ચીફ એડમિરલ સુનિલ લાંબા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં હાલમાં ઉભી થયેલી સુરક્ષા સ્થિતિ ઉપર ચર્ચા થઇ હતી.

Share This Article