ગાઝા પટ્ટી પર ફરી મોતનું તાંડવ, ઈઝરાયલના હુમલામાં 12 મહિલાઓ અને બાળકો સહિત 32ના મોત

Rudra
By Rudra 2 Min Read

ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો જેમાં બાર જેટલી મહિલાઓ અને બાળકો સહિત 32 લોકોનાં મોત થયા હતા. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતનયાહુ યુદ્ધ અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અમેરિકા જઇ રહ્યાં છે. મૃતકોમાં એક મહિલા પત્રકાર પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઇઝરાયેલે હમાસ સાથે યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી જો કે તેણે ફરીથી હવાઇ અને જમીન યુદ્ધ શરૂ કરી દીધુ છે. બાકીના બંધકો મુક્ત કરવા માટે નવી સમજૂતીનો સ્વીકાર કરવા માટે હમાસ પર દબાણ વધારવા માટે ઇઝરાયેલ આ હુમલા કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલે છેલ્લા એક મહિનાથી ખાદ્ય અને ઇંધણની આયાત અને માનવીય સહાય રોકી દીધી છે. પેલેસેટાઇન શરણાર્થીઓ માટે યુનાઇટેડ નેશન્સ એજન્સીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે ખાદ્ય સામગ્રીનો સ્ટોક ખલાસ થઇ રહ્યો છે અને સ્થિતિ ચિંતાજનક બની રહી છે.

મૃતદેહો જ્યાં લાવવામાં આવ્યા છે તે નાસેર હોસ્પિટલના જણાવ્યા અનુસાર ઇઝારેયલે તાજેતરમાં કરેલા હુમલામાં દક્ષિણમાં આવેલા શહેર ખાન યુનુસમાં એક તંબુ અને ઘરને નિશાન બનાવ્યું હતું. જેમાં પાંચ પુરુષો, પાંચ મહિલાઓ અને પાંચ બાળકોનાં મોત થયા છે.

મૃતકોમાં એક મહિલા પત્રકાર પણ સામેલ છે તેમના માતા અમલ કાસકીને કહ્યું હતું કે, મારી પુત્રી નિર્દોષ હતી. તેની કોઇ સંડોવણી ન હતી. તે પત્રકારત્વને પ્રેમ કરતી હતી. એક મહિલાના પિતરાઇ ભાઇ મોહંમદ અબ્દેલ હાદીના જણાવ્યા અનુસાર ટ્રમ્પ ગાઝા મુદ્દાને સમાપ્ત કરવા માંગે છે. તે આ મુદ્દે ઉતાવળમાં છે જે આજની સવારની કાર્યવાહી પરથી સ્પષ્ટ થાય છે.

Share This Article