ઈસાઈઓ પર હુમલાને લઈ ઈસ્લામિક દેશો ગુસ્સે થયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઇસ્લામિક દેશોએ હવે પાકિસ્તાનના પૂર્વીય વિસ્તારોમાં ચર્ચ અને ખ્રિસ્તી સમુદાયના લોકો સાથે બહુમતી મુસ્લિમ વસ્તી દ્વારા કરવામાં આવતી તોડફોડને લઈ આકરા શબ્દોમાં કહેવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનને સમયાંતરે આર્થિક મદદ કરનાર સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પણ પાકિસ્તાનમાં આ તોડફોડની નિંદા કરી છે. (UAE)ના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે પાકિસ્તાનમાં ઉગ્રવાદીઓ દ્વારા ઘણા ચર્ચ અને ડઝનેક ઘર સળગાવી દેવામાં આવ્યા છે, અમે તેની સખત નિંદા કરીએ છીએ. UAEએ કહ્યું કે તે આ ઘટનાઓ પછી થયેલી હિંસાની પણ નિંદા કરે છે. કુરાન ફાડવાના આરોપમાં બે માણસોની ધરપકડ કરવામાં આવ્યા બાદ પૂર્વ પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હતી અને તેમની સામે ઈશનિંદા મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું છે કે ચર્ચની નજીક કથિત રીતે પવિત્ર કુરાનના ફાટેલા પાના જોવા મળ્યા હતા. આ વાત ફેલાતાં જ હિંસા ફાટી નીકળી હતી.

મુસ્લિમ સમુદાયના રોષે ભરાયેલા ટોળાએ ચર્ચ પર હુમલો કર્યો અને તેને આગ ચાંપી દીધી હતી. આ હિંસા દરમિયાન ઘણા ઘરોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી અને લૂંટના અહેવાલો પણ સામે આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્‌સમાં પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ખ્રિસ્તી સમુદાયના લોકોની સંપત્તિને રસ્તાઓ પર સળગાવી દેવામાં આવી હતી. આ દરમિયાન મુસ્લિમ બહુમતી ટોળાએ ઐતિહાસિક સાલ્વેશન આર્મી ચર્ચને પણ આગ લગાવી દીધી હતી. આ ચર્ચમાંથી હિંસા બાદ આગની જ્વાળાઓ બીજા દિવસે પણ ભડકતી રહી. પાકિસ્તાનમાં આ હિંસા મામલે અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ભારે સુરક્ષા બળ તૈનાત કરવામાં આવ્યું છે. સ્થિતિ હજુ પણ તંગ છે અને ફૈસલબાઝ જિલ્લામાં લોકોના ભેગા થવા પર ૭ દિવસ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જરાનવાલા વિસ્તાર પણ આ ફૈસલાબાદ જિલ્લામાં આવે છે, જ્યાં સૌથી વધુ હિંસા થઈ હતી.

Share This Article