ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ક્રિકેટ ટેસ્ટનો ગુરુવારથી અહીં પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ટીમના યુવાન બેટ્સમેન-વિકેટકીપર ઇશાન કિશન પાસેથી ઘણી અપેક્ષા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ઇશાનને તક આપવાની જરૂર છે કેમ કે તે આક્રમક બેટિંગ કરી શકે છે. આ ઉપરાંત રોહિત શર્માએ જણાવ્યું હતું કે તેની પ્રતિભા ખીલી શકે તે માટે ઇશાન કિશનને ટેસ્ટ મેચમાં વધુને વધુ તક આપવામાં આવશે.
ઇશાન કિશને ગયા સપ્તાહે વેસ્ટ ઇન્ડિઝ સામેની ડોમનિકા ખાતેની ટેસ્ટ સાથે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો જેમાં ભારતનો ઇનિંગ્સથી વિજય થયો હતો. તેના કીપિંગ અંગે રોહિત શર્માએ કહ્યું હતું કે જે રીતે તેણે રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા જેવા સ્પિનર સામે કીપિંગ કર્યું હતું તેનાથી હું ઘણો પ્રભાવિત થયો હતો.ખાસ કરીને હાલમાં રિશભ પંત ઇજાને કારણે રમી રહ્યો નથી ત્યારે ઇશાન પાસેથી ઘણી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
રિશભ પંત ટીમમાં નથી ત્યારે પોતે ઇશાનની પહેલી ટેસ્ટને કેવી રીતે જોઈ રહ્યો છે તે અંગે રોહિતે જણાવ્યું હતું કે તે પ્રતિભાશાળી યુવાન છે. તે ભારત માટે જેટલી પણ મેચ રમ્યો છે તે અમે નિહાળી છે. જોકે ટેસ્ટમાં પહેલી વાર રમી રહ્યો છે પરંતુ બાંગ્લાદેશ સામેની ડિસેમ્બર ૨૦૨૨ની વન-ડેમાં તેણે બેવડી સદી ફટકારી હતી. તે સારી બેટિંગ કરી શકે છે પરંતુ પ્રથમ ટેસ્ટમાં કમનસીબે તે એક રન પર હતો ત્યારે અમારે ઇંનિંગ્સ ડિકલેર કરવી પડી હતી.