સુપ્રીમ કોર્ટે વૈવાહિક બળાત્કારને ગુનાહિત બનાવવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા DY ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કેન્દ્ર સરકારને આ મુદ્દે ૧૫ ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું. આ અરજી પર ૨૧ માર્ચથી સુનાવણી શરૂ થશે. હવે સુપ્રીમ કોર્ટ માર્ચમાં આ મુદ્દે અંતિમ સુનાવણી કરીને વૈવાહિક બળાત્કાર ગુનો છે કે નહીં તે નક્કી કરશે. દેશની અનેક હાઈકોર્ટમાં વૈવાહિક બળાત્કારનો મુદ્દો સામે આવ્યા પછી સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુનાવણી હાથ ધરી છે. કર્ણાટક હાઈકોર્ટે આ મુદ્દે ચુકાદો આપ્યો હતો, જેમાં વૈવાહિક બળાત્કારને ગુનો જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશે આ મુદ્દે એકમત નહોતા. ત્યારબાદ આ મુદ્દો ત્રણ જજની બેંચને સોંપવામાં આવ્યો છે.
જો કે આ દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં પડતર તમામ કેસોને પોતાની પાસે ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે એક કેસમાં પતિ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. કર્ણાટક સરકારે પણ આ મુદ્દે પત્ની પર બળાત્કાર કરવા બદલ પતિ વિરુદ્ધ કેસ દાખલ કરવાનું સમર્થન કર્યું છે. કર્ણાટક સરકારે હાઈકોર્ટના ર્નિણયને સમર્થન આપતા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેસ નોંધવો જોએ. હાઈકોર્ટે પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા માટે આઈપીસીની કલમ ૩૭૬ હેઠળ પતિ સામેના આરોપોને સમર્થન આપ્યું હતું. હાઇકોર્ટે વૈવાહિક બળાત્કારના અપવાદની બંધારણીયતા પર ટિપ્પણી કર્યા વિના અવલોકન કર્યું કે કેસની હકીકતો અને સંજોગોમાં, પતિને આવા જાતીય હુમલો/બળાત્કાર માટે સંપૂર્ણ મુક્તિ આપી શકાય નહીં. વૈવાહિક બળાત્કારની ચર્ચાનો ઇતિહાસ લાંબો છે. ભૂતકાળમાં, દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં બળાત્કારના કાયદા હેઠળ પતિઓને આપવામાં આવતી છૂટને સમાપ્ત કરવાની માંગ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં વૈવાહિક બળાત્કારને ગુનાહિત બનાવવા અંગે સ્પષ્ટ વલણ અપનાવ્યું ન હતું. અરજીમાં IPCની કલમ ૩૭૫ ના અપવાદ ૨ ને પડકારવામાં આવ્યો હતો. આ દરમિયાન કર્ણાટક હાઈકોર્ટે વૈવાહિક બળાત્કારની એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કરતા પોતાનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ એમ નાગપ્રસન્નાની સિંગલ બેન્ચે કહ્યું કે IPC ની કલમ ૩૭૫નો અપવાદ ૨ પૂર્ણ નથી. આમાં પતિને છૂટ આપવામાં આવી છે.