અમેરિકાએ ઈરાન સાથેના પરમાણુ કરારો તોડતા ઈરાન અને ઇઝરાયેલ પરસ્પર સંઘર્ષ ચાલુ થઈ ગયો છે. ઇરાને સીરિયામાં આઇએસ વિરુદ્ધના અભિયાનને બાજુમાં મુકીને ઇઝરાઇલ સાથે ઘર્ષણ કર્યું છે અને ઇઝરાઇલ પર ૨૦ રોકેટ છોડયા હતા. બાદમાં ઇઝરાઇલે પણ ઇરાની સૈન્ય પર મિસાઇલ મારો કર્યો હતો.
ઇઝરાઇલી સૈન્યએ જણાવ્યું હતું કે સીરિયામાં તૈનાત ઇરાની સૈન્યએ ગોલન હાઇટ્સ સ્થિત ઇઝરાઇલી સૈન્યના સ્થળો પર આશરે ૨૦ રોકેટ અને મિસાઇલો તાકી હતી. સૈન્યના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ જોનાથન કોનરિક્સે પત્રકારોને જણાવ્યું હતું કે મિસાઇલોથી કોઇ નુકસાન નથી થયું કેમ કે એન્ટી મિસાઇલ સિસ્ટમ તૈનાત કરેલી હતી જેને પગલે જે પણ મિસાઇલો સૈન્ય પર આવી રહી હતી તેને વચ્ચે જ આ એન્ટિ મિસાઇલ સિસ્ટમે તોડી નાખી હતી.
નેતન્યાહુ સરકારે પણ દાવો કર્યો હતો કે અમે નહીં પણ ઇરાને જ અમારા પર હુમલો કર્યો હતો. સીરિયા સરહદે સ્થિત અમારા સૈન્ય મથકો પર ૨૦ મિસાઇલો નાખવામાં આવી હતી. ઇરાન અને સીરિયા વચ્ચેના આ ઘર્ષણની તસવીરો પણ બહાર આવી છે. દમાસ્કસમાં વહેલી સવારે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ મોનિટરિંગ ગૃપ દ્વારા જારી એક રિપોર્ટમાં જણાવવામા આવ્યું હતું કે સીરિયા તરફથી આ રોકેટ છોડવામાં આવ્યા હતા અને ઇઝરાઇલના કબજા હેઠળના ગોલનને નિશાન બનાવવામાં આવ્યું હતું.
જોકે આ રોકેટને સીરિયામાંથી ઇરાને છોડયા હતા તે અંગે કોઇ ચોક્કસ માહિતી બહાર નથી આવી. સાના ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે ઇઝરાઇલના એન્ટિ મિસાઇલ સિસ્ટમને કારણે કોઇ મોટી જાનહાની નહોતી સર્જાઇ કેમ કે જે પણ મિસાઇલો છોડવામાં આવી હતી તેને તોડી પાડવામા આવી હતી. ઇરાનના આ પગલા બાદ ઇઝરાઇલે પણ ઇરાનના જેટલા પણ સૈન્ય મથકો હતા તેને નિશાન બનાવી હવાઇ હુમલા કર્યા હતા.