જમ્મુ-કશ્મીરમાં આતંકના સફાયા માટે એવા ઓફિસરને તૈનાત કરવામાં આવ્યા છે, જેમણે નક્સલીઓ અને આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. ઘાટીમાં રાજ્યપાલ સાશનમાં રાજ્યપાલ એન એન વ્હોરાના એડવાઇઝર તરીકે આઇ પી એસ વિજય કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. કુખ્યાત ચંદનની તસ્કરી કરનાર વિરપ્પનને મારનાર વિજય કુમાર પોતાની સખ્ત ઇમેજ માટે ઓળખવામાં આવે છે.
એક સમય એવો હતો કે, ચંદનની તસ્કરી કરનાર વિરપ્પનની ધાક સાઉથ ઇન્ડિયાના જંગલોમાં રહેતી હતી. તેનું અસલી નામ કૂજ મુનિસ્વામી વિરપ્પન હતું. જે ચંદનની સાથે સાથે હાથીદાંતની તસ્કરી પણ કરતો હતો. તેને પકડવા પાછળ ભારત સરકારના 20 કરોડ રૂપિયા ખર્ચાઇ ગયા હતા. ઘણા પોલીસવાળા ઓફિસરને વિરપ્પને મોતને ઘાટ ઉતાર્યા હતા.
આઇ પી એસ વિજય કુમારના નેતૃત્વમાં ઓપરેશન કોકૂન ચલાવવામાં આવ્યુ હતું. 18 ઓક્ટોબર 2004ના રોજ વિરપ્પનને મારીને તેના ડરને ખતમ કર્યો હતો. આ ઓપરેશન બાદ આઇ પી એસ વિજય કુમારે તેના પર પુસ્તક પણ લખ્યુ હતુ. વિરપ્પનને મારનાર આઇ પી એસ જમ્મુ-કશ્મીરમાં હવે કેટલી જલ્દી આતંકનો અંત કરે છે તે જોવુ રહ્યું.