નવીદિલ્હી : ઇન્ડિયન પ્રિમિયર લીગ પર ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. આઇપીએલ ખેલાડીઓની બસ પર અંધાધુંધ ગોળીબાર કરવામાં આવી શકે છે. જે જગ્યાએ મેચો દરમિયાન ખેલાડીઓ રોકાય છે તે હોટેલને પણ ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવી શકે છે. ગુપ્તચર સંસ્થાઓને આ અંગેની માહિતી મળી છે. માહિતી મળ્યા બાદ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી રહી છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ત્રાસવાદી આઇપીએલની મેચો દરમિયાન ભારતીય ખેલાડીઓની સાથે સાથે વિદેશી ખેલાડીઓને ટાર્ગેટ બનાવી શકે છે. દેશના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ પણ હિટ લિસ્ટમાં હોવાના હેવાલ મળ્યા છે.
ગુપ્તચર માહિતી મળ્યા બાદ આઇપીએલમાં સુરક્ષા પાસા પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. ખેલાડીઓના કાફલા તરફ દોરી જતા માર્ગોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનય છે કે ત્રાસવાદઓ હાલમાં કોઇ પણ રીતે ભારતમાં હુમલા કરવાના પ્રયાસમાં છે. જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસ એટલે કે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જારદાર હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓના તમામ કેમ્પો અને અડ્ડાઓને ફુંકી માર્યા હતા.
ભારતીય હવાઇ દળે વહેલી સવારે હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓ અને તેમના આકાઓને તેમની ઓકાત બતાવી હતી અને મિનિટોના ગાળામાં જ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારીને ૩૫૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં તેમના કમાન્ડરો, આકાઓ અને આત્મઘાતી બોંબરો સામેલ હતા. પુલવામા હુમલાના ૧૨ દિવસ બાદ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવા માટે વહેલી પરોઢે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્રાસવાદી અડ્ડાઓ ઉપર મિરાજ ૨૦૦૦ વિમાન મારફતે ૧૦૦૦ કિલોગ્રામના બોંબ ઝીંકવામાં આવ્યા હતા. ૧૨ મિરાજ યુદ્ધ વિમાનો દ્વારા જૈશે મોહમ્મદના આલ્ફા-૩ કન્ટ્રોલ રુમ સહિત ત્રાસવાદી અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બાલાકોટ અને ચપોટીમાં પણ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા હતા.
જૈશે મોહમ્મદના તમામ અડ્ડાઓને આ ગાળામાં ફુંકી મારવામાં આવ્યા હતા. બાલાકોટ, ચિકોટી અને મુઝફ્ફરાબાદમાં જૈશ અને અન્ય ત્રાસવાદી સંગઠનોના અડ્ડાઓને ત્રાસવાદીઓ સાથે ફૂંકી મારવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશન ૨૧ મિનિટ સુધી ચાલ્યું હતું જે ગાળામાં ભારતીય હવાઇ દળના યુદ્ધવિમાનો પાકિસ્તાનમાં ૮૦ કિલોમીટર સુધી અંદર ઘુસી ગયા હતા. પાકિસ્તાની સરહદમાં બોંબ વર્ષા કરવામાં આવી હતી. ભારતના ભીષણ હવાઈ હુમલામાં જૈશના લીડર મસુદ અઝહરના સગા સંબંધીઓના પણ મોત થયા હતા જેમાં યુસુફ અઝહરનો પણ સમાવેશ થાય છે. યુસુફ કંધાર વિમાન અપહરણ કાંડમાં સામેલ હતો. ઉરી બાદ કરવામા આવેલા સર્જિકલ હુમલા કરતા આ વખતે ખુબ મોટા પાયે હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય હવાઇ દળના વિમાનોએ સતત ૨૧ મિનિટ સુધી ત્રાસવાદી અડ્ડા પર બોંબ ઝીંકયા હતા. ૧૨ મિરાજ વિમાનો મારફતે હુમલો કરવામાં આવ્યો હતો. ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ભારત દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ત્રાસવાદીઓ અને પાકિસ્તાની સેના દ્વારા હુમલા કરવાના કેટલાક પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે. જે નિષ્ફળ રહ્યા છે. પાકિસ્તા ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના સતત પ્રયાસો કરી રહી છે. નવેસરના હેવાલ બાદ આઇપીએલની મેચો અને મેદાનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.