યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના કેટલાક સ્પોન્સર તેમાં હિસ્સો વેચશે. હિસ્સો વેચનારા આ સ્પોન્સરમાં એસબીઆઈ, પંજાબ નેશનલ બેન્ક અને એલઆઈસીનો સમાવેશ છે. તેમણે દેશના આ સૌથી જૂના ફંડ હાઉસમાં હિસ્સો વેચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સૂત્રોએ કહ્યું હતું કે યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના કેટલાક સ્પોન્સર્સે તેમનો હિસ્સો વેચવા માટે મર્ચન્ટ બેન્કર્સનો સંપર્ક કર્યો છે અને હિસ્સો કેવી રીતે વેચવો તેની સલાહ લીધી છે. યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડને એસબીઆઈ, એલઆઈસી, પીએનબી અને બેન્ક ઓફ બરોડાએ પ્રમોટ કર્યું હતું અને આ ચારેયનો તેમાં ૪૫.૨૧ ટકા હિસ્સો છે. આ ઉપરાંત તેમાં અમેરિકા સ્થિત ટી. રો પ્રાઈસ ગ્રુપનો હિસ્સો તેની સબસિડરી ટી. રો પ્રાઈસ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સર્વિસીઝ (યુકે) મારફતે છે જે યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડમાં ૨૩% હિસ્સો ધરાવે છે. યુટીઆઈ એએમસીનો આઈપીઓ ૨૦૨૦માં આવ્યો ત્યારે આ સ્પોન્સર્સે તેમનો કેટલોક હિસ્સો વેચ્યો હતો. આ આઈપીઓ આવ્યો તે પહેલાં સેબીએ LIC, SBI, અને BoB તેમનો હિસ્સો ઘટાડવા કહ્યું હતું અને જો તેમ નહીં કરે તો તેમના વોટિંગ રાઈટ્સ ફ્રીઝ કરી દેવાશે તેમ કહ્યું હતું.
ગયા વર્ષે પીએનબીને તેનો સંપૂર્ણ હિસ્સો વેચવાની મંજૂરી મળી ગઈ હતી. સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટ મંત્રાલય (DIPAM)એ સરકારી એકમોને તેમની સબસિડરીમાંથી હિસ્સો વેચવા માટે મંજૂરી આપી હતી. કેબિનેટની મંજૂરી બાદ DIPAM મંત્રાલયે તે અંગેની ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. આ ગાઈડલાઈન મુજબ હિસ્સો વેચવા માગતું સરકારી એકમ તેની દરખાસ્ત વહીવટી વિભાગને મોકલશે જે ચકાસણી બાદ DIPAM મોકલવામાં આવશે. ત્યારબાદ તે ઓલ્ટરનેટિવ મિકેનિઝમ પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મેળવશે, જેનું વડપણ નાણામંત્રી પાસે છે. યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના ૧૯૬૪માં કરવામાં આવી હતી. યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાની યુએસ-૬૪ સ્કીમે નાદારી નોંધાવ્યા બાદ સંસદે યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (ટ્રાન્સફર ઓફ અન્ડરટેકિંગ એન્ડ રિપીલ) એક્ટ ૨૦૦૨ પસાર કર્યો હતો. ત્યારબાદ યુટીઆઈને બાઈફરકેટકરીને સ્પેસિફાઈડ અન્ડરટેકિંગ ઓફ યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા રચવામાં આવ્યું, જે એક્સિસ બેન્ક અને યુટીઆઈ એએમસીમાં ૧૧.૮% હિસ્સો ધરાવે છે. બાલ્ટિમોર સ્થિત ટી. રો પ્રાઈસે નવેમ્બર ૨૦૦૯માં દરેક પ્રમોટર પાસેથી ૬.૫% હિસ્સો ખરીદીને યુટીઆઈમાં કુલ ૨૬% હિસ્સો ખરીદ્યો હતો.