સીએએના વિરોધમાં અમદાવાદ શહેરના શાહઆલમ સહિતના મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયના તોફાની તત્વો દ્વારા પોલીસને જે પ્રકારે ટાર્ગેટ કરી પથ્થરમારો અને હિંસાનો ભોગ બનાવી તે ઘટનાના હવે લોકોમાં એક પ્રકારનો ડર અને ફફડાટ ફરી એકવાર જોવા મળી રહ્યો છે.
હવે પોલીસ પર હુમલાને લઇ રાજય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તોફાની તત્વોને ઝબ્બે કરવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ખાસ કરીને પોલીસે સીસીટીવી ફુટેજીસ અને સ્થાનિક લોકોની પૂછપરછના આધારે તોફાની તત્વોને આઇડેન્ટીફાઇ કરી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને ઘેરી ઘેરીને જોરદાર હિંસક હુમલાનો ભોગ બનાવી લોહીલુહાણ કરાઇ હતી, જેના કારણે માત્ર સામાન્ય પ્રજામાં જ નહી પરંતુ સમગ્ર પોલીસ તંત્રમાં ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. મુસ્લિમ વિસ્તારોમાં માત્ર પોલીસ જ નહી પરંતુ મીડિયા કર્મીઓને પણ તોફાની તત્વોએ ટાર્ગેટ કરી હુમલાનો ભોગ બનાવાયા હતા. જેમાં કેટલાક મીડિયા કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચી હતી. જે પછી પોલીસ તંત્ર એકદમ આકરા પાણીએ અને કડકાઇથી એકશનમાં આવ્યું હતું.
શાહઆલમ, ચંડોળા સહિતના વિસ્તારોમાં પોલીસે કોમ્બીંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરી મોટાપાયે તોફાની તત્વોને ઝબ્બે કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સાથે સાથે આ તોફાન-હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા વધારાના પોલીસ જવાનો અને દળોના કર્મચારીઓને ઉતારી દેવાયા હતા અને રાતભર પોલીસ પેટ્રોલીંગ અને ફલેગમાર્ચ કરી સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. પોલીસે મોડી સાંજ બાદ હિંસા અને તોફાનની પરિસ્થિતિ પર કાબૂમાં મેળવી લીધો હતો પરંતુ વાતાવરણ નિશંકપણે તંગ જણાતું હતું. બીજીબાજુ, પોલીસે હવે શહેરની શાંતિ ડહોળનાર અને પોલીસ આ પ્રકારે અમાનવીય હુમલો કરનાર તોફાની તત્વોને ઝબ્બે કરવા સીસીટીવી ફુટેજીસ, સ્થાનિક લોકોના નિવેદનોને સહિતની તપાસના આધારે ફરિયાદ દાખલ કરવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં પોલીસ મોટાપાયે તોફાની તત્વોની ધરપકડ કરી તેઓની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.