અમરેલી: વૃક્ષાચ્છદિત હરિયાળું કવચ ઉભું કરી કાર્બન સંયમ સાથે રાજય માટે ટકાઉ વિકાસનો આધાર ઉભો કરવો. વનીકરણની પ્રવૃત્તિ માટે ખેડૂતો, લોકો તથા વિવિધ સંસ્થાઓને સંગઠિત કરી લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. લોકોને તેમની જરૂરિયાત સરળતાથી મળી રહે તે માટે ઇમારતી અને જલાઉ લાકડું, ઘાસચારો, ફળ તથા અન્ય ગૌણ વન પેદાશો સહિતની વન પેદાશોમાં વધારો કરવામાં આવે તે જરૂરી છે. ગ્રામીણ ગરીબ લોકો માટે રોજીની તકો વધારવી. ફાજલ પડેલ સરકારી, સહકારી, સંસ્થાકીય તેમજ ખાનગી જમીન પર વૃક્ષાવરણ વધારવું. રાજયની પર્યાવરણીય અને જૈવિક વૈવિધ્યતાની સુરક્ષા અને સંવર્ધન કરવું.
વનીકરણ- પટ્ટીવાવેતર (સ્ટ્રીપ પ્લાન્ટેશન) એસઃ
આ મોડેલ હેઠળ રાજયના એકસપ્રેસ વે, નેશનલ હાઇવે, સ્ટેટહાઇવે, એમ.ડી.આર., ઓ.ડી.આર. અન્ય રોડ સાઇડની બંને બાજુ તેમજ રેલવે અને કેનાલ સાઇડની બાજુની ઉપલબ્ધ જમીનમાં ખાતાકીય રાહે વાવેતર કરવામાં આવે છે.
પ્રતિ હેકટરે (૮૦૦) રોપા મુજબ સુશોભિત ફુલ આપતા, ઘટાદાર, ફળાઉ અને સીધા વૃક્ષોનું પધ્ધતિસર વાવેતર કરવામાં આવે છે. સદર વાવેતર પાકટ થયે કાપણી બાદ કરેલ ખર્ચ બાદ કરતા ચોખ્ખી ઉપજની ૫૦ ટકા રકમ સંલગ્ન તાલુકા પંચાયતને સ્થાનિક વિકાસના કામો માટે ફાળવવામાં આવે છે.
ગ્રામવાટિકા (પિયત) જી-૧:
રાજયભરના ગામોમાં કે જયાં સમતલ વિસ્તારમાં ગૌચર, સરકારી ખરાબો અને સિંચાઇની સગવડ છે તે સ્થળ પ્રતિ હેકટર ૧૬૦૦ રોપા મુજબ વાવેતર કરવામાં આવે છે. સિંચાઇ સાથે આંતરપાક અને ઘાસની પણ વાવણી થાય છે. વધુ આવક આપી શકે તેવી કલોનલ નીલગીરી, અરડુસી, દેશી બાવળ તેમજ ફળાઉ વૃક્ષોમાં ખાટી આમલી, આંબો, રાયણ, કોઠી, જાંબુ, આમળા વગેરે વૃક્ષો લગાવવામાં આવે છે. વાવેતર પાકટ થયેલ કાપણી બાદ ખર્ચ બાદ કરતા ચોખ્ખી ઉપરના ૭૫ રકમ ગ્રામ પંચાયતને વિકાસ કામો માટે ફાળવવામાં આવે છે, બાકીની ૨૫ ટકા રકમ પુનઃવનીકરણ માટે ફાળવવામાં આવે છે.
ગ્રામવાટિકા (પિયત) જી-૨:
ગામના ગૌચર, સરકારી ખરાબા અને ગાંડાબાવળથી ઘેરાયેલ વિસ્તારમાં વરસાદ આધારિત વાવેતર કરવામાં આવે છે. સ્થાનિક જમીનને અનુરૂપ પ્રતિ હેકટર ૪૦૦ રોપા કે જેમાં ફળાઉ, ઘટાદાર, સુશોભિત, બળતણ અને ચારો આપતા વૃક્ષો વાવવામાં આવે છે. સદર વાવેતર પાકટ થયે કાપણી બાદ ખર્ચ બાદ કરતા ચોખ્ખી ઉપજના ૭૫ ટકા રકમ ગ્રામપંચાયતના વિકાસ કામો માટે ફાળવવામાં આવે છે બાકીની ૨૫ ટકા રકમ પુનઃવનીકરણ માટે ફાળવવામાં આવે છે.
હરિયાળું ગ્રામ યોજનાઃ
સૌથી વધુ પર્યાવરણ સુરક્ષાની જરૂરિયાત શહેર અને ગામમાં હોય છે. મોટા ભાગના વાવેતર ચોમાસા દરમિયાન વનમહોત્સવના ભાગરૂપે થતાં હોય છે. શહેર અને ગામમાં યોગ્ય રીતે વાવેતર થાય અને ત્યારપછીની માવજત પણ સુનિશ્ચિત થાય તે હેતુસર હરિયાળું ગ્રામ યોજના અમલી છે. યોજના હેઠળ વન વિભાગ દ્વારા મફત રોપા આપવામાં આવે છે. વાહતુક કરી જમીનધારકની જમીન પર સરકારી ખર્ચે વાવેતર કરવામાં આવે છે. વાવેતર પછીની માવજતની જવાબદારી જે-તે જમીનધારક-સંસ્થાની હોય છે. આ યોજના હેઠળ ફળાઉ, સુશોભિત અને છાંયા આપતા વૃક્ષો પર ભાર મૂકવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રતિ હેકટર ૪૦૦ રોપા ઉછેરવામાં આવે છે. આ યોજનાનો લાભ દરેક સરકારી-બિનસરકારી-શૈક્ષણિક-ઔદ્યોગિક સ્વરાજની સંસ્થા લઇ શકે છે.
કસ વગરની જમીન પર ખેત વનીકરણઃ
નાના-સીમાંત ખેડૂતો માટેની આ યોજનામાં બિનખેતી લાયક (ઘસાઇ ગયેલ જમીનમાં) વાવેતર કરવામાં આવે છે. બ્લોકમાં વાવેતર થઇ શકે છે. આ મોડલ હેઠળ કરવાની થતી તમામ કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. વાવેતર પછીની માવજતની જવાબદારી જે-તે ખેડૂતની હોય છે. આ મોડલ હેઠળ પ્રતિ હેકટરે ૧૦૦૦ રોપા ઉછેરવામાં આવે છે. ૫૦ ટકાથી વધુ જીવંત ટકાવારી હોય તો ચાલુ વર્ષે, પ્રથમ વર્ષ, દ્વિત્તિય વર્ષ અને તૃત્તિય વર્ષે હેકટર દીઠ રૂ.૪ હજાર એમ કુલ રૂ.૧૬ હજાર જેટલી રકમની સહાય ચૂકવવામાં આવે છે.