મુંબઈ : રિઝર્વ બેંક હાલમાં વ્યાજદરો યથાવત રાખી શકે છે. માર્ચ ૨૦૧૯માં પુરા થઇ રહેલા નાણાંકીય વર્ષના બાકીના ગાળા દરમિયાન રેટ રિઝર્વ બેંક યથાવત રાખે તેવી શક્યતા છે. ફુગાવાના આંકડા ઉપર તમામની નજર કેન્દ્રિત થયેલી છે. સિંગાપોરિયન બેંક ડીબીએસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, રેટ અંગેનો નિર્ણય મુખ્યરીતે તેલ કિંમતો અને ડોલર સામે રૂપિયાની ચાલ તેમજ ફુગાવા ઉપર આધારિત રહે છે. ઓક્ટોબર મહિના માટે ડબલ્યુપીઆઈ ફુગાવો ઉંચી સપાટીએ રહ્યો છે પરંતુ સીપીઆઈ ફુગાવો નીચી સપાટીએ રહ્યો છે.
બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે આરબીઆઈ હવે તેની વર્તમાન પોલિસીમાં વ્યાજદરમાં કોઇ સુધારો કરે તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. સરકાર દ્વારા લઘુત્તમ સમર્થન મૂલ્યની વ્યવસ્થા મારફતે ખેડૂતોને રાહત આપી હોવા છતાં આરબીઆઈ હાલમાં વ્યાજદરમાં વધારો કરવા અથવા તો ઘટાડો કરવાના મૂડમાં નથી. આ નાણાંકીય વર્ષમાં આરબીઆઈએ હજુ સુધી રેટમાં બે વખત વધારો કર્યો છે. કુલ વધારો ૦.૫૦ ટકા સુધીનો રહ્યો છે. આ વર્ષે હજુ સુધી ડોલર સામે રૂપિયામાં ૧૩ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. તેલ કિંમતો ખુબ ઉંચી સપાટીએ પહોંચી હતી. આ મહિનાની શરૂઆતમાં તેલ કિંમતો એક વખતે બેરલદીઠ ૮૬ ડોલર સુધી પહોંચી ગઈ હતી પરંતુ ત્યારબાદથી ઉલ્લેખનીયરીતે ઘટી ગઈ છે. તેલ કિંમતો હાલમાં ૫૯ ડોલર પ્રતિબેરલની આસપાસ છે. છેલ્લા એક મહિનાના ગાળામાં ક્રૂડ ઓઇલની કિંમત અને રૂપિયામાં હકારાત્મક સંકેતો રહ્યા છે.