સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ટ્રેનોમાં ‘રેલ નીર’ ને બદલે અન્ય બ્રાન્ડની પીવાના પાણીની બોટલો વેચીને મુસાફરો પાસે તેની કિંમત કરતા વધુ પૈસા પડાવીને લૂંટ ચલાવવામાં આવી રહી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. જેને કારણે મુસાફરોને ગુણવત્તાયુક્ત, સસ્તું પાણી પૂરું પાડવાની રેલવેની ‘ રેલ નીર ‘ની યોજના શોભાના ગાંઠીયા સમાન બની રહી છે.
આઇઆરસીટીસીની ટીમે ઉપરોક્ત ફરિયાદોના અનુસંધાનમાં ગત ગુરૃવારે હાવડા-અમદાવાદ એક્સપ્રેસમાં આ અંગેની તપાસ હાથ ધરી હતી. જેમાં ટ્રેનના પેન્ટ્રી કારમાં અલગ-અલગ જગ્યાએ છુપાવી રાખવામાં આવેલી અન્ય બ્રાન્ડની કુલ ૬૦ પાણીની બોટલો મળી આવી હતી. જેને આખરે જપ્ત કરાઇ હતી.
નોંધપાત્ર છે કે ટ્રેનો અને સ્ટેશનો પર ફક્ત ‘ રેલ નીર ‘ બ્રાન્ડની જ પાણીની બોટલો વેચવાની પરવાનગી છે. આઇઆરસીટીસીની ટીમ દ્વારા હવે તમામ ટ્રેનોમાં પેન્ટ્રીકારમાં તેમજ રેલવે સ્ટેશનો પર આ અંગેની તપાસ હાથ ધરવાની ઝૂંબેશ હાથ ધરાઇ છે. કસૂરવારો સામે પગલા પણ ભરવાની પણ તૈયારી દર્શાવાઇ છે.