અમદાવાદ: બોપલ વિસ્તારમાં આવેલી એક્સેલ સ્પોટ્ર્સ એકેડેમીમાં બે કોચની મસ્તી દરમ્યાન કોચિંગ માટે આવેલા એક દસ વર્ષના બાળકને આંખની નીચેના ભાગે બહુ જોરદાર રીતે બેટ વાગી જતાં તેને આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. એટલે સુધી કે, દસ વર્ષના બાળક ક્રિશની આંખની દ્રષ્ટિ પણ ધૂંધળી બની ગઇ છે. બેટ વાગવાને કારણે આંખની નીચેના ભાગનું હાડકું પણ તૂટી ગયું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી, તો વાલીઓમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલીક સારવાર નહીં કરાવીને બેદરકારી દાખવતાં બાળકના પિતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં બંને કોચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ઘુમા ગામના નજીક આવેલા લાલગેબી આશ્રમ પાસે ઇસ્કોન ગ્રીનમાં અમિતભાઇ બાંગા તેમની પત્ની અને દસ વર્ષીય પુત્ર ક્રિશ સાથે રહે છે. સીટીએમ વિસ્તારમાં દેવરાજ એન્જિનિયરિંગ નામની કંપની ધરાવે છે. ક્રિશ સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી એક્સેલ સ્પોર્ટ એકેડેમીમાં દોઢ મહિનાથી ક્રિકેટ કોચિંગ માટે જતો હતો. ગત તા.૧ ઓગસ્ટના રોજ ક્રિશ સ્પોર્ટ એકેડેમીમાં કોચિંગ માટે ગયો હતો. સાંજના સમયે કોચિંગ કલાસમાંથી કોઇ વ્યક્તિએ ફોન કરી અમિતભાઇને જાણ કરી હતી કે તમારા પુત્ર ક્રિશને ક્રિકેટ રમતો હતો ત્યારે આંખની નીચેના ભાગે ઇજા થઇ છે. જેથી તેઓએ તાત્કાલીક તેમની પત્ની રિચાને એક્સેલ સ્પોર્ટ એકેડેમીમાં જઇ તપાસ કરવા માટે કહ્યું હતું. તેમના પત્ની રિચાએ સ્પોર્ટસ એકેડેમીમાં જઇ તપાસ કરતાં ક્રિશને જમણી આંખ નીચે ઇજા થઇ હતી.
ક્રિકેટના કોચ અને અન્ય કોચ એકબીજા સાથે મસ્તી કરતા હતા ત્યારે પાછળથી બેટ ફેરવતાં ક્રિશને આંખના ભાગે ઇજા થઇ હતી. આ બનાવ બન્યાના ૪૦ મિનિટ સુધી તેઓએ કોઇને જાણ કરી ન હતી. તેમજ ક્રિશને સારવાર માટે લઇ ગયા ન હતા. પાછળથી ક્રિશની માતા તેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ લઇ ગઇ હતી. જ્યાં ડોકટરે તેઓને જણાવ્યું હતું કે, ક્રિશની આંખની કીકીમાં નુકસાન થયું છે તેમજ હાડકાંનું ફ્રેકચર પણ થયું છે. ક્રિશના પિતા અમિતભાઇએ જણાવ્યું હતું કે બે કોચ મસ્તી કરતા હતા તે દરમ્યાનમાં બેટ વાગતાં ક્રિશને ઇજા થઇ હતી. એક્સેલ સ્પોટ્ર્સ એકેડેમીના કોચ અને સંચાલકની બેદરકારીથી આ બનાવ બન્યો હતો. સ્પોટ્ર્સ એકેડેમી દ્વારા બનાવ અંગે ફોન કરી જાણ પણ કરાઇ ન હતી. અમદાવાદ શહેરના અનેક આંખના સ્પેશિયાલિસ્ટ અને પ્લાસ્ટિક સર્જનને અમે બતાવી ચૂક્યા છીએ. ક્રિશને આંખમાં થયેલ ઇજાના કારણે તેની દૃષ્ટિ ધૂંધળી થઇ ગઇ છે.
ઈજાને કારણે એક ઓપરેશન કરવામાં આવ્યું છે. તેના નિદાન બાદ અન્ય ઓપરેશન પણ કરવાં પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. બે મહિના સુધી તેને ઘેર આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આ બનાવની તપાસ માટે જ્યારે મારી પત્ની દ્વારા એકેડેમીમાં લગાવાયેલા સીસીટીવી ફૂટેજ જોવા માટેનો આગ્રહ રાખ્યો ત્યારે ના પાડવામાં આવી હતી. બે વખત પત્ર લખી જાણ કરવા છતાં તેઓએ હજુ સુધી ફૂટેજ બતાવાયા નથી. અમિતભાઇએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે એક્સેલ સ્પોટ્ર્સ એકેડેમીના પ્રોપરાઇટર નિશાંત જાની અને બે કોચની ગંભીર બેદરકારીના કારણે આજે તેમના પુત્રની સાથે આવો બનાવ બન્યો છે આ બાબતે તેઓ પ્રોપરાઇટર નિશાંત જાની સામે પણ બેદરકારી બદલ ફરિયાદ નોંધાવી શકે છે. હાલમાં તેઓએ બોપલ પોલીસ સ્ટેશનમાં ક્રિકેટ કોચ વત્સલ ભટ્ટ અને અન્ય કોચ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.