અગાઉ સરકારે ગત સપ્તાહે છૂટક મોંઘવારીના આંકડા જાહેર કર્યા હતા. સરકારી આંકડા મુજબ એપ્રિલ ૨૦૨૨માં છૂટક મોંઘવારીનો દર ૭.૮ ટકા રહ્યો હતો જે મે ૨૦૧૪ બાદ સૌથી વધુ હતો. વધતી મોંઘવારીના પગલે રિઝર્વ બેંકે આ મહિનાની શરૂઆતમાં એમપીસીની બેઠક કરીને રેપો રેટ વધારવા પડ્યા હતા. રેપો રેટને ૦.૪૦ ટકા વધારવાનું સ્વીકાર કર્યું હતું. પૈસા ઓછા અને ખર્ચા વધારે…આ છે સામાન્ય માણસની પરિસ્થિતિ. ખર્ચાઓ એવા કે ઓછા થવાનું નામ નથી લેતા અને એકબાજુ સતત મોંઘવારીની થપાટ વધતી જાય છે.
છૂટક મોંઘવારી ૮ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ એપ્રિલ ૨૦૨૨માં જથ્થાબંધ મોંઘવારીએ પણ નવો રેકોર્ડ રચ્યો. સરકારી આંકડા મુજબ એક વર્ષ પહેલા એપ્રિલ ૨૦૨૧માં તે ૧૦.૭૪ ટકા હતી. જ્યારે એપ્રિલ ૨૦૨૨માં વધીને ૧૫.૦૮ ટકા થઈ છે. માર્ચમાં ૧૪.૫૫ ટકા હતી. ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ એ આજે એપ્રિલ મહિના માટે જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર કર્યા. તેમના જણાવ્યાં મુજબ તેલ અને ઈંધણના આકાશે આંબતા ભાવના કારણે એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી વધી છે. અગાઉ એવો અંદાજાે લગાવવામાં આવ્યો હતો કે એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી ૧૫.૫ ટકાની આજુબાજુ રહી શકે છે. તાજા આંકડા મુજબ એપ્રિલ સતત ૧૩મો મહિનો છે કે જથ્થાબંધ મોંઘવારી દર ૧૦ ટકા ઉપર છે. એપ્રિલ ૨૦૨૨માં જથ્થાબંધ મોંઘવારીના આટલા વધુ દર માટે મિનરલ ઓઈલ્સ, બેઝિક મેટલ્સ, ક્રૂડ અને પેટ્રોલિયમ તથા નેચરલ ગેસ, ખાણી પીણીનો સામાન, ફૂડ પ્રોડક્ટ, નોન ફૂડ આર્ટિકલ્સ, તથા કેમિકલ્સ અને કેમિકલ પ્રોડક્ટના ભાવમાં થઈ રહેલો વધારો જવાબદાર છે. આ બધી ચીજાેના ભાવમાં ગત વર્ષ એપ્રિલની સરખામણીએ ઘણો વધારો થયો છે. એપ્રિલના જે આંકડા આવ્યા છે તે જાેતા મોંઘવારી ૧૭ વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે.
આંકડા મુજબ એપ્રિલમાં ફૂડ આર્ટિકલ્સનો મોંઘવારી દર ૮.૩૫ ટકા રહ્યો જે માર્ચમાં ૮.૦૬ ટકા હતો. એ જ રીતે ઈંધણ તથા વીજળી બાસ્કેટમાં જથ્થાબંધ મોંઘવારી દર માર્ચના ૩૪.૫૨ ટકાની સરખામણીએ વધીને ૩૮.૬૬ ટકા થયો. મેન્યૂફેક્ચર્ડ ચીજાે મામલે મોંઘવારી દર થોડો વધ્યો છે તે માર્ચમાં ૧૦.૭૧ ટકા રહ્યો હતો પણ એપ્રિલમાં ૧૦.૮૫ ટકા પર પહોંચી ગયો.