શહેરમાં છારા ઈન્ટરકલ્ચરલ એકસ્ચેન્જ પ્રોજેકટ પર પ્રદર્શન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : વડોદરા સ્થિત ભાષા રિસર્ચ એન્ડ પબ્લીકેશન સેન્ટર દ્વારા અમદાવાદ સ્થિત નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં છારાઝ ઈન અમદાવાદ – કોમ્યુનિટીઝ કનેકટીંગ હેરિટેજ વિષય પર પ્રદર્શનનો આરંભ થયો છે. આ પ્રદર્શન આજે તા.૨૫ જૂનથી તા. ૩૦ જૂન સુધી સવારે ૧૦-૩૦થી સાંજે ૭-૦૦ સુધી ખુલ્લુ રહેશે. આ ઉપરાંત બુધવારે, ગુરૂવાર અને શુક્રવારનાં રોજ સાંજે ૪-૦૦ કલાકે અને શનિવારે તેમજ રવિવારે સવારે ૧૧-૩૦ કલાકે અને સાંજે ૪-૦૦ કલાકે ગાઈડેડ ટુરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા સ્થિત ભાષા રિસર્ચ એન્ડ પબ્લીકેશન સેન્ટરના ડાયરેકટર સંધ્યાબહેન ગજ્જરે જણાવ્યું હતું કે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટનાં સહયોગથી વર્લ્ડ લ‹નગ, વોશિંગ્ટન દ્વારા વર્ષ ૨૦૧૮માં કોમ્યુનિટીઝ કનેકટીંગ હેરિટેજ નામની સ્પર્ધા યોજવામાં આવી હતી.

આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભારતમાંથી એકમાત્ર વડોદરા સ્થિત ભાષા રિસર્ચ એન્ડ પબ્લીકેશન સેન્ટરને અંતિમ છ વિજેતાઓમાં સ્થાન મળ્યું હતું. આ સ્પર્ધા અંતર્ગત યુએસએની યુનિવર્સિટી ઓફ નોર્ધન કોલોરાડોનાં ડિપાર્ટમેન્ટ ઓફ એન્થ્રોપોલોજી અને ભાષાએ ફેબ્રુઆરીથી જુલાઈ-૨૦૧૯ દરમિયાન રિક્લેઈમીંગ હેરિટેજ – ધ ઈન્ટર કલ્ચરલ હેરિટેજ એકસ્ચેન્જ પ્રોજેક્ટ પર કાર્ય કર્યું છે. વડોદરા સ્થિત ભાષા રિસર્ચ એન્ડ પબ્લીકેશન સેન્ટરે અમદાવાદ સ્થિત છારા ડીએનટી સમુદાય પર બુધાન થિયેટર પ્રવૃત્તિઓ મારફતે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

જ્યારે યુનિવર્સિટી ઓફ નોર્ધન કોલોરાડોનાં ડિપાર્ટમેન્ટ ઓફ એન્થ્રોપોલોજીએ અમેરિકાના મૂળ વતનીઓ, આફ્રિકન અમેરિકન ઈમિગ્રન્ટસ અને કારેની બર્મીઝ રેફ્યુજી કોમ્યુનિટીઝ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સંધ્યાબહેન ગજ્જરે વધુમાં ઉમેર્યું કે, ભાષા રિસર્ચ એન્ડ પબ્લીકેશન સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટનું પ્રદર્શન તા. ૨૫ જૂન થી તા. ૩૦ જૂન ૨૦૧૯માં સત્ય આર્ટ ગેલેરીમાં યોજાઈ રહ્યું છે. સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને અસલામતીથી પીડાતા લોકોનો ઈતિહાસ તપાસીએ તો ખ્યાલ આવશે કે આવા સમુદાય માટે પોતાના સાંસ્કૃતિક વારસાને માન્યતા અપાવવી અને તેનું સંવર્ધન કરવું કેટલું મુશ્કેલ હોય છે. ઉદાહરણ તરીકે યુધ્ધગ્રસ્ત દેશોમાંથી સ્થળાંતર કરીને યુએસએ આવેલા રેફ્યુજીઓ માટે પોતાની જીવનનિર્વાહ માટેની જરૂરિયાતોને પ્રાધાન્ય આપવામાં વારસાને જાળવવા અંગેની વાતને મહદઅંશે ભુલી જવી પડી હતી.

આવું જ ભારતમાં રખડતી જાતિઓનાં કિસ્સાઓમાં પણ બન્યું છે. હેરિટેજનો અભ્યાસ વ્યક્તિગત લોકો અને જૂથોએ પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવવા સંવર્ધન કરવા અને મુખ્યધારાનાં સમુદાયની નજરમાં પોતાનું સામાજિક સ્તર ઊંચુ લાવવા લીધેલા પગલાંઓ દર્શાવે છે.

Share This Article