જાકર્તા : ઇન્ડોનેશિયામાં વિનાશકારી સુનામી બાદ ભારે તારાજી થયા પછી લોકો હવે ધીમે ધીમે સંભળી જવાના પ્રયાસો કરી રહ્યા છે. સુનામીમાં મોતન આંકડો વધીને હવે ૪૩૦ ઉપર પહોંચી ગયો છે અને ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૧૪૮૫ છે. હાલમાં ૧૫૪ લોકો લાપતા થયેલા છે. કાટમાળ હેઠળ હજુ મૃતદેહોની શોધખોળ કરવામાં આવી રહી છે. સુન્ડા સ્ટ્રેટની આસપાસના વિસ્તારોમાં સુનામીના કારણે ભારે નુકસાન થયુ છે. આ વખતે સુનામીના કારણે તમામ નિષ્ણાંતો ભારે પરેશાન છે. કારણ કે આ ક્ષેત્રમાં કોઇ ભૂકંપનો આંચકો આવ્યો ન હતો. એકાએક દરિયામાં ૨૦ ફુટ સુધી ઉંચા મોજા ઉછળવા લાગી ગયા હતા.
સુનામીની પહેલાથી કોઇ ગતિવિધી નજરે પડી રહી ન હતી. જેના લીધે કોઇ એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી ન હતી. લાપતા થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. આ વર્ષે બીજી વખત સુનામીથી તબાહી થઇ છે. સપ્ટેમ્બરમાં ૨૮મી તારીખે સુલાવેસીમાં ભૂંકપ અને સુનામીના કારણે ૨૫૦૦ લોકોના મોત થયા હતા. દુનિયામાં પૃથ્વીની સપાટી ઉપર સક્રિય જ્વાળામુખી પૈકી અડધાથી વધુ જ્વાળામુખી આ વિસ્તારમાં આવે છે.
આજ કારણસર આ વિસ્તારને રિંગ ઓફ ફાયર અથવા તો આગના ગોળા તરીકે કહેવામાં આવે છે. આ ક્ષેત્રમાં દર વર્ષે ભૂકંપ અને સુનામીના કારણે અભૂતપૂર્વ નુકસાન થાય છે. ૨૦૦૪માં ઇન્ડોનેશિયામાં ભૂકંપ બાદ સુનામીએ હિંદ મહાસાગરના દરિયા કાંઠા પર આવેલા દેશોમાં ભારે તબાહી મચાવી હતી. ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ ત્રાટકેલા સુનામીના મોજામાં મોતનો આંકડો રોકેટગતિથી વધી રહ્યો છે. આજે વધુ કેટલાક મૃતદેહ મળી આવ્યા બાદ મોતનો આંકડો વધીને ૪૩૦ ઉપર પહોંચી ગયો હતો. ઘાયલ થયેલા લોકોની સંખ્યા સત્તાવાર રીતે ૧૫૦૦ આંકવામાં આવી છે. ઘાયલ પૈકીના કેટલાક હજુ ગંભીર સ્થિતીમાં છે. કાટમાળ હેઠળ લોકોની શોધખોળ ચાલી રહી છે. હવે લોકો જીવિત મળે તેવી શક્યતા ઓછી છે. જા કે બચાવ અને રાહત કામગીરીને જારી રખાઇ છે.