નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ શી જિંગપિંગ વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ છે. સંબંધોને સામાન્ય બનાવવાના મુદ્દા ઉપર સહમતિ થઇ છે. ચીનના સંરક્ષણ મંત્રી આગામી મહિને ભારત આવશે જેમાં કેટલીક જટિલ બાબતો ઉપર ચર્ચા થશે.
બંને દેશોના વડાઓની આ બેઠક ખુબ ઉપયોગી સાબિત થઇ જશે. બ્રિક્સ સમિટના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહાનિસબર્ગ પહોંચી ચુક્યા છે. મોદીએ ગુરુવારના દિવસે ચીની પ્રમુખ જિંગપિંગ સાથે વાતચીત કરી હતી. બ્રિક્સ સમિટના ભાગરુપે છેલ્લા ત્રણ મહિનામાં બંને નેતાઓ વચ્ચેની આ ત્રીજી મિટિંગ છે.
મોદીએ જિંગપિંગને કહ્યું હતું કે, આ ગતિને જાળવી રાખવાની બાબત ખુબ જરૂરી બની છે. આના માટે અમને પોતાના સ્તર ઉપર નિયમિતરીતે સંબંધોની સમીક્ષા કરવી જોઇએ. જ્યારે પણ જરૂર પડે ત્યારે યોગ્ય આદેશ પણ આપવામાં આવે. તેઓએ ચીની નેતાને કહ્યું હતું કે, તેમની હાલની બેઠકો દ્વિપક્ષીય સંબંધોને નવી તાકાત આપી છે. સાથે સાથે સહકારના નવા અવસર પણ ઉભા થયા છે.
શી જિંગપિંગે કહ્યું હતું કે, ચીની પાર્ટી વુહાનમાં તેમની અનૌપચારિક બેઠખ બાદ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે ભારતીય પક્ષની સાથે કામ કરવા માટે ઉત્સુક છે. વ્યૂહાત્મક સંચાર સંબંધોને મજૂબત કરવા, પારસ્પરિક વિશ્વાસને વધારવા, વેપારી સહકારને વધારવા મુદ્દે પણ વાતચીત થઇ રહી છે. વુહાનમાં મોદી અને શી જિંગપિંગે પોતાની સેનાને વ્યૂહાત્મક માર્ગદર્શન જારી કરવાનો નિર્ણય લીધો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં ડોકલામ જેવી સ્થિતિથી બચવાનો રહ્યો છે.
મોદીએ કહ્યું હતું કે, જાહાનિસબર્ગની મુલાકાતે તેમને પોતાની ભાગીદારીને મજબૂત કરવાની પણ તક આપી છે.