અમદાવાદ: અમેરિકાની સાથે આજે ભારતની મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ ડિફેન્સ સમજૂતિ પણ કરવામાં આવી હતી. વાતચીત દરમિયાન સરહદ પારથી ત્રાસવાદ અને એચવન-બી વિઝાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. બંને દેશોએ પ્રથમ વખત ટુ પ્લસ ટુની બેઠક યોજી હતી. બંને પક્ષોએ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરી હતી. જેમાં ભારતના સંયુક્ત રાષ્ટ્રમાં દાવાનો મુદ્દો પણ છવાયો હતો. ભારત તરફથી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતરામને અમેરિકાના વિદેશ મંત્રી આર પોમ્પેવો અને સંરક્ષણ મંત્રી જેમ્સ મેટીસ સાથે ચર્ચા કરી હતી.
બંને દેશોએ તેમની વચ્ચે હોટલાઈન સ્થાપિત કરવાનો પણ નિર્ણય કર્યો હતો. સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા સુષ્મા સ્વરાજે પ્રારંભિક મંત્રણાના એજન્ડાને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો અને ચર્ચાની વિગતો આપી હતી. બીજી બાજુ પોમ્પેવોએ આ ચર્ચાને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી અને એક સિદ્ધિ હોવાની વાત કરી હતી. કોમ્યુનિકેશન, કોમ્પેટેબિલિટી, સિક્યુરિટી એગ્રીમેન્ટ સમજૂતિ કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રી સીતારામને કહ્યું હતું કે આ સમજૂતિથી ભારતની સંરક્ષણ ક્ષમતા અને તૈયારીમાં વધારો થશે. અમેરિકા પાસેથી ક્રિટીકલ ડિફેન્સ ટેકનોલોજી ભારતને હાંસલ થશે.
આજની આ વાતચીત પર તમામની નજર કેન્દ્રિત રહી હતી. આ સમજૂતિ થયા બાદ બંને દેશો એકબીજાના મામલામાં વધુ ધ્યાન આપી શકશે. આ ડિલ કેટલી મહત્વપૂર્ણ છે તેનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે અમેરિકા હવે પોતાની સંવેદનશીલ સુરક્ષા ટેકનોલોજી ભારતને આપશે.
ભારત પ્રથમ એવા બિનનાટો દેશ તરીકે છે જેને અમેરિકા આ પ્રકારની સુવિધા આપનાર છે. બે વખત સ્થગિત થયા બાદ ટુ પ્લસ ટુ મંત્રણા પર પહેલાથી જ નજર હતી. હકીકતમાં આ સમજૂતિ એક નવી દિશાની શરૂઆત કરે છે. ગુરૂવારના દિવસે ટુ પ્લસ ટુ મંત્રણા બાદ નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે આનાથી યુએસ મૂળના વર્તમાન પ્લેટફોર્મને ભારત ઉપયોગ કરી શકશે. હોટલાઈન પણ સ્થાપના કરવામાં આવી છે.