સિડની : ચાઈનામેન સ્પીનર કુલદીપ યાદવની શાનદાર બોલિંગના પરિણામ સ્વરુપે સિડની ટેસ્ટ મેચમાં ભારતે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. આજે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રથમ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૦૦ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ભારતે ઓસ્ટ્રેલિયાને ફોલોઓનની ફરજ પાડી હતી. ખરાબ હવામાન અને વરસાદી માહોલ વચ્ચે ચોથા દિવસે રમત વહેલીતકે બંધ કરી દેવામાં આવી છે. તે વખત સુધી ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના ૬ રન બનાવી લીધા હતા. માર્ક્સ હેરિસ બે રન અને ખ્વાજા ચાર રન સાથે રમતમાં હતા.
ચાઇનામેન કુલદીપે વર્તમાન શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ મેચ રમતા ૯૯ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જેના લીધે ઓસ્ટ્રેલિયાની ટીમ તેના પ્રથમ દાવમાં ૧૦૪.૫ ઓવરમાં ૩૦૦ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ભારતે ૩૨૨ રનની લીડ લીધા બાદ ઓસ્ટ્રેલિયાને ફોલોઓનની ફરજ પાડી હતી. સવારમાં સત્ર વરસાદ અને ખરાબ હવામાનના લીધે બગડી ગયા બાદ સ્થાનિક સમય મુજબ ૧.૫૦ વાગે રમત શરૂ થઇ હતી. ત્યારબાદ ફરી ખરાબ હવામાન અડચણરુપ બનતા વહેલી તકે ટી બ્રેક લેવાની ફરજ પડી હતી. ત્યારબાદ પણ વરસાદ અને ખરાબ માહોલ અકબંધ રહેતા રમત બંધ કરી દેવાની ફરજ પડી હતી. ભારતે આજે સવારે તરત જ નવા બોલ સાથે બોલિંગની શરૂઆત કરી હતી. મોહમ્મદ સમીએ છઠ્ઠા બોલ ઉપર કમિન્સને બોલ્ડ આઉટ કર્યો હતો. બુમરાહે પણ શાનદાર બોલિંગ કરી હતી. કુલદીપે ત્યારબાદ જોરદાર બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની મુશ્કેલી વધારી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમ તેના ગઇકાલના સ્કોરમાં ૪૨ રન ઉમેરીને આઉટ થઇ ગઇ હતી. કુલદીપે હેઝલવુડની વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સનો અંત આણી દીધો હતો. હેઝલવુડે ડીઆરએસનો ઉપયોગ કર્યો હતો પરંતુ ત્રીજા અમ્પાયરે પણ તેને આઉટ જાહેર કર્યો હતો. ત્યારબાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાને ફોલોઓનની ફરજ પાડી હતી. ઇંગ્લેન્ડની સામે નોટિંગ્હામમાં ૨૦૦૫ બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ટીમમાં ફોલોઓનની ફરજ પડી છે. આ પહેલા સતત વરસાદ અને ખરાબ હવામાનના લીધે રમત બગડી હતી.
પોતાની જમીન ઉપર ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૯૮૮ બાદ પ્રથમ વખત ફોલોઓનનો સામનો કરી રહી છે. તે વખતે પણ ઓસ્ટ્રેલિયાની ટીમને ઇંગ્લન્ડની સામે સિડનીમાં ફોલોઓનનો સામનો કરવો પડ્યો હતો. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સવારે નિર્ધાિરત સમય કરતા અડધા કલાક મોડેથી રમત શરૂ થવાની હતી પરંતુ આવું શક્ય બન્યું ન હતું. ૧૦ વાગ્યાના બદલે ૧૧ વાગે આ મેચ શરૂ થઇ હતી પરંતુ આજે દિવસ દરમિયાન વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. સવારના સત્રમાં એક પણ બોલ ફેંકી શકાયો ન હતો. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે છ વિકેટે ૨૩૬ રન કર્યા હતા.