21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વેટલિફ્ટરોનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. શનિવારના રોજ પુરુષોના 77 કિલોગ્રામ કેટેગરીમાં સતીશ કુમાર શિવલિંગમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. તેમણે કુલ 317 (સ્નેચ 144 કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્ક 173 કિલોગ્રામ) વજન ઉઠાવ્યું. આ રમતમાં ત્રીજો ગોલ્ડ અને કુલ મળીને પાંચ પદક મળ્યા છે. ભારતને આ તમામ મેડલ વેટલિફ્ટિંગમાં જ મળ્યાં છે.
સતીશે સ્નેચમાં પોતાના પહેલાં પ્રયાસમાં 136 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. ત્યારબાદ 140 અને પોતાના છેલ્લાં પ્રયાસમાં 144 કિલોગ્રામ વજન ઉઠાવ્યું. સ્નેચ બાદ જો કે ઇંગ્લેન્ડના જૈક ઓલિવરથી એક કિલોગ્રામ પાછળ રહ્યાં હતા. તેમણે 145 કિલોગ્રામ સર્વશ્રેષ્ઠ વજન ઉઠાવ્યું હતું. પરંતુ સ્નેચમાં એક કિલોગ્રામ આગળ રહેનાર ઓલિવર ક્લીન એન્ડ જર્કમાં પોતાનું શાનદાર પ્રદર્શન દોહરાવી શકયા નહીં. તેમણે પહેલાં પ્રયાસમાં 167 કિલોગ્રામ વજન ઉઠાવ્યું જો કે ત્યારબાદ બંને પ્રયાસ 171 કિલોગ્રામ વજનના તેમના પ્રયાસ અસફળ રહ્યા. તેઓ કુલ મળીને 312 કિલોગ્રામ વજન જ ઉઠાવી શકયા. તેમને સિલ્વર મેડલ મળ્યો.
સતીશ કુમાર શિવલિંગમમાં 2014ના ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ દરમ્યાન તેમણે સ્નેચમાં 149 કિલોગ્રામ ભાર ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો હતો. સતીશે રિયો ઓલિમ્પિક 2016 માટે પણ ક્વોલિફાઇ કર્યું હતું પરંતુ સારું પ્રદર્શન છતાંય 11મા સ્થાન પર રહ્યાં હતા. 2017મા સતીશે કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.