ભારતની મહિલા વેટલિફ્ટર સાઇખોમ મીરાબાઇ ચાનૂએ 21મી કોમનવેલ્થ ગેમ્સમાં ગુરુવારે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ચાનૂએ કોમનવેલ્થ ગેમ્સના પ્રથમ દિવસે મહિલાઓની 48 કિલોગ્રામ વેટલિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.
ચાનૂએ સ્નેચમાં 86નો સ્કોર કર્યો છે અને ક્લીન એન્ડ જર્કમાં 110 સ્કોર કરતા કુલ 196ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યુ છે. સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક બંનેમાં ચાનૂનું આ વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેમણે આ સાથે જ બંનેમાં કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
ચાનૂએ ગ્લાસ્ગોમાં છેલ્લા કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. કૉમ્પિટિશનનો સિલ્વર મેડલ મૉરેશિયસના મેરી હેનિત્રાના નામે રહ્યો. આ પહેલા, ગુરુવારે જ વેટલિફ્ટિંગમાં જ ગુરુરાજાએ આ રમતમાં પહેલું મેડલ અપાવ્યું હતું. તેઓ પુરુષોની 56 કિલોગ્રામના વેટલિફિટિંગની સ્પર્ધામાં સિલ્વર મેડલ હાંસલ કરવામાં સફળ રહ્યા હતા.