અમેરિકા બાદ ભારત દુનિયામાં ફ્રીલાન્સિંગના બીજા સૌથી મોટા કેન્દ્ર તરીકે છે. હાલમાં જ કરવામાં આવેલા નવા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં આશરે ૧.૫ કરોડ ફ્રીલાન્સરો રહેલા છે. આમાંથી તમામ લોકો હોમ જેનરેટેડ પ્રોજેક્ટ પર કામ કરે છે. કેટલાક લોકો અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના ક્લાઇન્ટો માટે પણ કામ કરે છે. સર્વેમાં દાવો કરવામા આવ્યો છે કે ભારતમાં એક સારા ફ્રીલાન્સર એક કલાકમાં ૨૦ ડોલરની કમાણી કરે છે. વેબ એન્ડ મોબાઇલ ડેવલપમેન્ટ, વેબ ડિઝાઇનિંગ, ડેટા એન્ટ્રી અને ઇન્ટરનેટ રિસર્ચ તેમજ કન્સલ્ટસી જેવા ક્ષેત્રોમાં આજે સારી કમાણી નોકરી સિવાય થઇ રહી છે.
રેઝ્યુમ લખવાની બાબત, કુકિંગ રેસિપી, ઓનલાઇન ભારત નાટ્યમ કોર્સ ભણાવવા, ઓનલાઇન પેશેન્ટ કન્સલ્ટિંગ, ડેટા એનાલિટિક્સ જેવા સેંગમેન્ટ હવે જોરદાર રીતે ઉભરી રહ્યા છે જેમાં સારી કમાણી થઇ રહી છે.મિડિયાના ક્ષેત્રમા પણ હવે લોકો નોકરી છોડીને ફ્રીલાન્સના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. આગામી દિવસોમાં ફ્રીલાન્સની બોલબાલા વધી શકે છે. કારણ કે દરેક વ્યક્તિ આધુનિક સમયમાં સારી અને વધારે કમાણી કરવા માટે ઇચ્છુક છે. ઓછા સમયમાં વધારે કમાણી કઇ રીતે કરી શકે તે દિશામાં લોકો હવે આગળ વધી રહ્યા છે. પોતાના પરિવારને પૂર્ણ સમય આપવામાં પણ લોકો વિશ્વાસ રાખે છે.
આવી સ્થિતીમાં નોકરી છોડીને જુદા જુદા ક્ષેત્રમાં ફ્રીલાન્સનુ કામ હવે લોકો કરવા લાગી ગયા છે. ખાસ કરીને મહિલાઓ પણ આ દિશામાં ઝડપથી આગળ વધી ચુકી છે. ભારતમાં જે ૧.૫ કરોડ ફ્રીલાન્સર છે તેમની સંખ્યામાં એકબે વર્ષમાં અનેક ગણો વધારો થઇ શકે છે. અમેરિકામાં પણ આ સંખ્યામાં વધારો થઇ શકે છે. ભારતના લોકો બહારના લોકોના પણ કામ ફ્રી લાન્સ તરીકે કરી રહ્યા છે.