નોટિંગ્હામ : ભારતના વિશ્વકપ અભિયાનની પાંચમી જૂનથી શરૂઆત થઇ રહી છે ત્યારે પ્રથમ મેચ પહેલા જ ભારતને મોટો ફટકો પડી ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીને નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇજા થઇ હોવાના અહેવાલ મળ્યા છે. આંગણીમાં ઇજા થયા બાદ તે હાલ સારવાર હેઠળ છે. સાઉથમ્પટનમાં અભ્યાસ મેચ દરમિયાન જમણા હાથના અંગૂઠામાં તેને ઇજા થઇ છે. ભારતને વિશ્વ કપ અભિયાનની શરૂઆત દક્ષિણ આફ્રિકા સામે કરવાની છે. ભારત પોતાની પ્રથમ મેચ આફ્રિકા સામે રમીને વર્લ્ડકપની શરૂઆત કરશે. સુત્રોના કહેવા મુજબ વિરાટ કોહલીની ઇજા નજીવી છે જેથી ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં રમશે. ઇજા થયા બાદ ભારતીય કેપ્ટન ટીમના ફિઝિયોપેટ્રીક હારહાર્ટની સાથે નજરે પડ્યા બાદ આની ચર્ચા જાવા મળી હતી. પેટ્રિકે સૌથી પહેલા પીડા દૂર કરવાના પ્રયાસો કર્યા હતા. જો કે, ઇજા ગંભીર નહીં હોવાથી વિરાટ કોહલી પોતાની પ્રથમ મેચ રમી શકશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી વિરાટ કોહલીની ઇજાના સંદર્ભમાં કોઇ માહિતી આપવામાં આવી નથી પરંતુ ભારતીય ક્રિકેટ ચાહકો માટે રાહતની બાબત છે કે, પાંચમી જૂનના દિવસે રમાનારી મેચમાં વિરાટ કોહલી રમી શકશે. હજુ તેની પાસે રિકવર થવાનો ત્રણ દિવસનો સમય છે.
ટીમના મેડિકલ સ્ટાફના તમામ પ્રયાસો થશે તો વિરાટ કોહલી સંપૂર્ણપણે ફિટ થઇને મેદાનમાં ઉતરે. જો વિરાટ કોહલીની ઇજા પ્રથમ મેચ સુધી ફિટ થશે નહીં તો ટીમ ઇન્ડિયાને મોટો ફટકો પડી શકે છે. ઇંગ્લીશ કન્ડીશનમાં એશિયન ટીમો હાલમાં સંઘર્ષ કરતી નજરે પડી રહી છે. વિરાટ કોહલી સૌથી વિશ્વસનીય બેટ્સમેન તરીકે છે. તની ગેરહાજરીમાં રોહિત શર્મા અને શિખર ધવન પર વધારે બોજ આવી શકે છે.