નેહરુ સાયન્સ સેન્ટર(વરલી)માં આજે ભારતીય વિજ્ઞાાન વિશ્વનાં ઐતિહાસિક ઉપકરણોનો સાક્ષાત્કાર થશે. નેશનલ ટેકનોલોજી ડે(૧૧-મે)ની ઉજવણી નિમિત્તે શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ભારતના મહાન નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાાની સર સી.વી.રમણનું સ્પેક્ટ્રોસ્કોપ, સર જગદીશચંદ્ર બોઝનાં ક્રેસ્કોગ્રાફ અને ફાયટોગ્રાફ, અંગ્રેજ સરકારે ભારતનો વિશાળપાયે કરેલા સર્વેક્ષણમાં ઉપયોગમાં લેવાયેલું થિયોડોલાઇટ વગેરે નજરો નજર જોઇ શકશે.
ભારતમાં આ પ્રકારનું પ્રદર્શન પહેલી જ વખત યોજાઇ રહ્યું છે. આ તમામ ઐતિહાસિક વૈજ્ઞાાનિક યંત્રો એપ્રિલ-૨૦૧૮માં લંડનમાં યોજાયેલા ઇલ્યુમિનિટિંગ ઇન્ડિયાઃ ૫૦૦૦ યર્સ ઓફ સાયન્સ એનડ ઇનોવેશન પ્રદર્શનમાં મૂકાયાં હતાં. આ પ્રદર્શનની તમામ વ્યવસ્થા નેહરુ સાયન્સ સેન્ટર(મુંબઇ) દ્વારા થઇ હતી. સાથોસાથ આ પ્રસંગે મેકિંગ ઓફ અન્ડર ગ્રાઉન્ડમેટ્રો-૩ નું ઉદ્ધાટન પણ થશે.