એક ભૂલની સજા કેટલી આકરી હોઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ માલદીવ છે. તાજેતરમાં માલદીવ સરકારના કેટલાક અધિકારીઓએ વડાપ્રધાનની લક્ષદ્વીપ યાત્રાને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ માલદીવનો બોયકોટ ટ્રેન્ડ થવા લાગ્યો છે. હવે બોયકોટની અસર માલદીવ પર પણ જાેવા મળી રહી છે. ભારતના બહિષ્કારને કારણે માલદીવને દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સ્વાભાવિક છે કે જે દેશની આવક માત્ર પ્રવાસીઓ અને પ્રવાસનથી જ આવે છે તેની હાલત કફોડી થતી જાય છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, માલદીવે ત્યાં મુસાફરીનો ખર્ચ અડધો કરી દીધો છે, તેમ છતાં ભારતીયો ત્યાં જવા માટે તૈયાર નથી. આ સમગ્ર વિવાદ પહેલા માલદીવ ભારતીયોના મનપસંદ પ્રવાસન સ્થળોમાંનું એક હતું. દર વર્ષે લાખો ભારતીયો ત્યાં આવતા હતા. પરંતુ ભારતીયોના બહિષ્કારને કારણે માલદીવે પોતે કહ્યું છે કે તેના ૪૪,૦૦૦ પરિવારો હવે મુશ્કેલીમાં છે. ભારતીયોની નારાજગીના કારણે તેમના પર્યટન ઉદ્યોગ પર ખરાબ અસર પડી છે. ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ પર પણ લોકોએ માલદીવની મુલાકાત લેવાના વિકલ્પો શોધવાનું બંધ કરી દીધું છે. તેના બદલે, લક્ષદ્વીપની શોધમાં ૩૪ ગણો વધારો થયો છે.
તાજેતરના વિવાદ બાદ માલદીવ દરરોજ મોટી રકમની આવક ગુમાવી રહ્યું છે. ૨૦૨૩ માં, વિશ્વની મુસાફરી કરનારા ભારતીયોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને ૨૦૩૦ સુધીમાં, ભારત ચોથા સ્થાને પહોંચી શકે છે. ગયા વર્ષે જ ભારતીયોએ માલદીવમાં $૩૮૦ મિલિયન (આશરે રૂ. ૩,૧૫૨ કરોડ) ખર્ચ્યા હતા. મતલબ કે જાે ભારતીયો ત્યાં જવાનું બંધ કરશે તો માલદીવને રોજનું ૮.૬ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ઓનલાઈન ટ્રાવેલ બુકિંગ માર્કેટમાં ૫૦ ટકાથી વધુ હિસ્સો ધરાવતા પોર્ટલ MakeMyTrip એ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં લક્ષદ્વીપ માટે પૂછપરછમાં ૩,૪૦૦ ટકાનો વધારો થયો છે. પ્રવાસીઓની ઉદાસીનતા જાેઈને અને તેમને આકર્ષવા માટે ટ્રાવેલ એજન્ટોએ માલદીવની મુલાકાતનો ખર્ચ પણ ૪૦ ટકા ઘટાડી દીધો છે. એવું નથી કે માત્ર ટૂર પેકેજમાં જ ઘટાડો થયો છે. ભારતથી માલદીવની ફ્લાઈટના ભાડામાં પણ ઘટાડો થયો છે. જે ભાડું પહેલા ૨૦ હજાર રૂપિયા વન વે હતું તે હવે ઘટીને ૧૨ થી ૧૫ હજાર રૂપિયા થઈ ગયું છે. MakeMyTrip વેબસાઈટ પર, દિલ્હીથી માલદીવનું ભાડું માત્ર ૮,૨૧૫ રૂપિયા બતાવવામાં આવ્યું છે, તે પણ ૧૭ જાન્યુઆરીએ. જાે તમે આ તારીખે દિલ્હી-ચેન્નઈનું ભાડું જુઓ તો તે ૮,૨૪૫ રૂપિયા છે.