વોશિંગ્ટન : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને સ્થાનિક યુનિવર્સિટીઓમાંથી ગોલ્ડ કાર્ડ નાગરિકતા ધરાવતા ભારતીય સ્નાતકોને નોકરી પર રાખવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, પહેલાં અમેરિકન કંપનીઓને ભારતીય વિદ્યાર્થીઓને કામ પર રાખવા માટે મુશ્કેલી થતી હતી. જેથી તેઓ ભારત પરત ફરી જતાં, ત્યાં કંપની ખોલે અને પછી અબજોપતિ બની જાય. બાદમાં ત્યાં હજારો લોકોને રોજગાર આપે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, ઘણી કંપનીઓએ આ મુદ્દે તેમને ફરિયાદ કરી હતી કે તેઓ તેમને રોજગાર આપવામાં અસમર્થ છે, અને ભારતીય વિદ્યાર્થીઓ તેમના દેશમાં પાછા જાય છે અને મોટી કંપનીઓ ખોલે છે અને અબજોપતિ બને છે. ટ્રમ્પે કહ્યું, “મને ઘણી કંપનીઓ તરફથી ફરિયાદો મળી છે કે તેઓ લોકોને નોકરી પર રાખવા જાય છે પણ તેઓ તેમને નોકરી પર રાખી શકતા નથી. તમે જાણો છો કે તેઓ શું કરે છે? તેઓ ભારત પાછા જાય છે, અથવા તેઓ જે દેશમાંથી આવ્યા હતા ત્યાં પાછા જાય છે, અને ત્યાં એક કંપની ખોલે છે, અને અબજોપતિ બને છે.”
અમેરિકન પ્રમુખે ‘ગોલ્ડ કાર્ડ’ રૂપે એક નવી ઈમીગ્રેશન પહેલ શરૂ કરી છે, જેનાથી અમીર વિદેશી રોકાણકારો પાંચ મિલિયન અમેરિકન ડોલરની રકમથી અમેરિકાની નાગરિકતા ખરીદી શકે છે. મંગળવારે ઓવલ ઓફિસમાંથી જાહેર કરાયેલા આ પ્રસ્તાવને ગ્રીન કાર્ડના “પ્રીમિયમ વર્ઝન” તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે, જેનાથી લોન્ગ ટર્મ રેઝિડન્સીની સુવિધા મળશે.
ડોનાલ્ડ ટ્રમ્પે થોડાં દિવસ પહેલાં ‘ગોલ્ડ કાર્ડ’ની જાહેરાત કરતા કહ્યું હતું કે, ‘અમે એક ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યાં છીએ. જેની કિંમત ૫ મિલિયન ડોલર રાખવામાં આવી છે. આ નવી પહેલનો હેતુ અમેરિકામાં હાઈ નેટવર્થવાળા લોકોને આકર્ષિત કરવાનો છે. જોકે, સરકારનો પ્રયાસ છે કે, તેનાથી વધુમાં વધુ રેવન્યુ બનાવવામાં આવી શકે છે.