થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી ભારતીયોને બનાવાય છે બંધક!.. સરકારે ચેતવણી આપી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

એક તરફ સતત મોંઘવારી વધતી રહી છે. બીજી બાજુ સંખ્યાબંધ લોકો પાસે રોજગાર નથી. એમાંય સમયની સાથે ભારતમાં સતત ભણેલા ગણેલા શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને યુવાધન વિદેશમાં પૈસા કમાવવાની લ્હાયમાં છેતરપિંડીનો ભોગ બની રહ્યું છે. કંઈક આવી જ સ્થિતિ હવે વિદેશ જતા ભારતીય યુવાનોની થઈ રહી છે.

હાલમાં જ વિદેશ મંત્રાલયે થાઈલેન્ડ નોકરી માટે જતા ભારતીય યુવાનોને સંબોધીને ખાસ ચેતવણી આપી છે.  ઉલ્લેખનીય છેકે, હાલમાં જ ભારત સરકારે મ્યાનમારમાં બંધક ૩૨ ભારતીયોને બચાવ્યા હતા. ત્યાર બાદ વર્તમાન સ્થિતિને જોતા ભારત સરકારે એક ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીય યુવાનોને થાઈલેન્ડમાં આઈટી સેક્ટરમાં નોકરીની લાલચ આપી મ્યાનમારમાં બંધક બનાવી અન્ય કામ કરાવતી ગેંગથી સાવધાન રહેવા જણાવ્યું છે.

મંત્રાલયે કહ્યું છે કે ખાસ કરીને આઈટીના યુવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જાહેરાતો અને ભારત તથા દુબઈમાં સક્રિય એજન્ટો દ્વારા થાઈલેન્ડમાં કોલસેન્ટર અને ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપવામાં આવે છે. આ યુવાનોને મોટા ભાગે સરહદ પાર ગેરકાયદેસર રીતે મ્યાનમાર લઈ જઈ બંધક બનાવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરાવવામાં આવે છે. મ્યાનમાર અને થાઈલેન્ડના ભારતીય દૂતાવાસોએ કોલ સેન્ટર છેતરપિંડી અને ક્રિપ્ટો કરન્સીની છેતરપિંડીમાં સંડોવાયેલી શંકાસ્પદ કંપનીઓના આવા કિસ્સાઓની જાણ કરી છે. મંત્રાલયે નાગરિકોને વિદેશ ભરતીના સંબંધમાં તે દેશોમાં ભારતીય મિશનમાંથી જાણકારી ચકાશવા જણાવ્યું છે. હાલમાં જ ભારત સરકારે થાઇલેન્ડમાં IT સેક્ટરમાં નોકરીના બહાને મ્યાનમારના અંતરિયાળ વિસ્તારમાં બંધક બનાવાયેલા ૩૨ ભારતીયોને રેસ્ક્યુ કર્યા હતા. વધુ ૬૦ ફસાયેલા હોવાનું મનાય છે.

Share This Article