હોકી એશિયા કપ 2025માં ફાઈનલ મેચમાં ભારતીય ટીમે સાઉથ કોરિયાને હરાવીને ચોથી વાર ચેમ્પિયન બન્યું છે. બિહારના રાજગીરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી આ મેચમાં ભારતીય હોકી ટીમે સાઉથ કોરિયાને 4-1ના અંતરથી હાર આપી છે. આ જીત સાથે જ ટીમે આગામી વર્ષે એટલે કે, 2026માં બેલ્જિયમ અને નેધરલેન્ડ દ્વારા સંયુક્ત યજમાનીમાં આયોજિત વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરી લીધું છે.
ભારતે ચોથીવાર હોકી એશિયા કપના ખિતાબ પર કબ્જો જમાવ્યો છે. આ જીત એટલા માટે ખાસ છે, કેમ કે, ભારતે પાંચવારના ચેમ્પિયન સાઉથ કોરિયાને હરાવ્યું છે. આ પહેલા 2017માં મલેશિયાને હરાવીને ભારતે એશિયા કપ જીત્યો હતો.
ફાઈનલ મેચના પહેલા ક્વાર્ટરની પહેલી જ મિનિટે ભારતના સુખજીત સિંહે ગોલ કર્યો હતો. પહેલા ક્વાર્ટરના અંત સુધી ભારત 1-0થી આગળ રહ્યું હતુ. ભારતે બંને ક્વાર્ટરમાં 1-1 ગોલ કર્યો અને 2-0થી લીડ મેળવી. હાફ ટાઇમ સુધી ભારતનો સ્કોર 2-0 રહ્યો, સાઉથ કોરિયાએ આક્રમક રમત દાખવી પણ તે ગોલ કરી શક્યા નહીં.
ત્રીજા ક્વાર્ટરની છેલ્લી મિનિટમાં ભારતે ફરી ગોલ કર્યો અને 3-0થી લીડ બનાવી લીધી. ચોથા ક્વાર્ટરમાં 50મી મિનિટમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો. રોહિદાસે તકનો પૂરે પૂરો લાભ લીધો અને ગોલ કર્યો. પરંતુ આ ક્વાર્ટરમાં સાઉથ કોરિયાએ પણ એક ગોલ કર્યો. જો કે ભારત 4-1ની લીડ મેળવી ચૂક્યું હતુ. ત્યાર બાદ ભારતીય ટીમે સાઉથ કોરિયાને એકપણ ગોલ કરવાની તક આપી નહીં અને ડિફેન્સિવ વલણ અપનાવ્યું. આખરે ભારતે જીત મેળવી લીધી.
નોંધનીય છે કે, ભારતે અત્યાર સુધીમાં 2003, 2007, 2017 બાદ હવે 2025માં ચોથી વાર એશિયા કપનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ટીમ 1982, 1985, 1989, 1994 અને 2013 એમ 5 વાર ઉપવિજેતા પણ રહી છે.