દિલ્હી હાઈકોર્ટે ગુગલને યુટ્યુબ પરથી ભારતીય મસાલાઓ ગાયના છાણ અને ગૌમૂત્ર ભેળવવામાં આવતા હોવાનો દાવો કરતો વીડિયો હટાવવાનો આદેશ આપ્યો છે. યુટ્યુબ પર ભાત-ભાતના વીડિયો મુકવામાં આવે છે. વધુ ટ્રેન્ડી બનાવવા વીડિયોમાં ર્મિચ-મસાલા ઉમેરવામાં આવે છે. જોકે, તાજેતરમાં સામે આવેલા વીડિયોમાં ભારતીય ર્મિચ-મસાલામાં ગાયનું ગોબર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વીડિયો કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાયો છે.
દિલ્હી હાઈકોર્ટે ગુગલને યુટ્યુબ પરથી ભારતીય મસાલાઓ ગાયના છાણ અને ગૌમૂત્ર ભેળવવામાં આવતા હોવાનો દાવો કરતો વીડિયો હટાવવાનો આદેશ આપ્યો છે. કેચ બ્રાન્ડના મસાલા વેચતી કંપની ધરમપાલ સત્યપાલ સન્સ પ્રાઈવેટ લિમિટેડે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ આ અરજી દાખલ કરી હતી. જેના પર કોર્ટનો આ આ આદેશ આવ્યો છે. કંપનીએ આવી યુટ્યુબ ચેનલો ચલાવનાર સામે પણ કેસ કર્યો છે. કેસની સુનાવણી બાદ જસ્ટિસ સંજીવ નરુલાએ કહ્યું કે, કંપનીને બદનામ કરવા માટે વીડિયોમાં આ દાવો કરવામાં આવ્યો છે. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોએ પુષ્ટિ આપી હતી કે કોઈપણ પુરાવા વિના મસાલા કંપનીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જસ્ટિસ સંજીવ નરુલાએ ઉમેર્યું હતું કે, કથિત YouTube વીડિયો પરની કોમેન્ટનું અવલોકન દર્શાવે છે કે જનતાને પ્રભાવિત કરવા માટે આ દાવો કરવામાં આવ્યો છે. આવા ખોટા નિવેદનો પર જનતાને વિશ્વાસ કરવા તરફ દોરી જાય છે, જે વાદી (ધરમપાલ સત્યપાલ સન્સ પ્રાઇવેટ લિમિટેડ) પ્રત્યે ગંભીર પૂર્વગ્રહનું કારણ બને છે. અંકુશ ન હોવાના કારણે આ શક્ય બન્યું છે. આ બદનક્ષીભર્યા વીડિયો હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું. કોર્ટમાં કંપનીએ મસાલા માટે સંબંધિત નિયમનકારો પાસેથી મેળવેલા પ્રમાણપત્રો પણ રજૂ કર્યા હતા. આ ઉપરાંત, કંપનીએ પ્રમાણિત લેબમાંથી સ્વતંત્ર ખાદ્ય વિશ્લેષણ રિપોર્ટ પણ સબમિટ કર્યો છે. જેમાં ગાયના છાણ, ગૌમૂત્ર અથવા અન્ય કોઈપણ પદાર્થોની હાજરી જોવા મળી નહોતી. આવા વીડિયો અપલોડ કરતી યુટ્યુબ ચેનલોને આ અંગે નોટિસ જારી કરવામાં આવી છે. કોર્ટ દ્વારા YR અને વ્યૂઝ એન ન્યૂઝ ચેનલોને નોટિસ આપવામાં આવી છે. આ બંને ચેનલોના પ્રતિનિધિઓ કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે એક પક્ષે આગળ વધવાનો ર્નિણય કર્યો હતો. ગૂગલના વકીલ દ્વારા કોર્ટને જાણ કરવામાં આવી હતી કે, તેના અગાઉના નિર્દેશોને અનુસરીને કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્રણેય વીડિયો હવે અમારા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી.