ભારતીય રેલવે વર્ષ 2024માં 70 જેટલી વંદે ભારત ટ્રેનો દોડાવશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વંદે ભારતે ભારતીય રેલ્વેની સંપૂર્ણ કાયાપલટ કરી દીધી છે. માત્ર થોડા વર્ષોમાં, ઘણી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે, જેનાથી મુસાફરોનો ઘણો સમય બચ્યો છે. મોટાભાગના રાજ્યોને તેમની વંદે ભારત ટ્રેનો મળી ચૂકી છે. દરમિયાન, એક સારા સમાચાર છે કે આ વર્ષે દેશમાં ૬૦ નવી વંદે ભારત ટ્રેનો શરૂ થવા જઈ રહી છે. ભારતીય રેલ્વે આ બાબતે સતત કામ કરી રહી છે. વર્ષ ૨૦૨૩માં કુલ ૩૪ વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે. એક મીડિયા અહેવાલ અનુસાર વંદે ભારત ટ્રેનો માટે ઝડપથી નવા કોચ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ભારતીય રેલવે ૭૦ જેટલી વંદે ભારત ટ્રેનો દોડાવશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. જેમાંથી ૬૦ ટ્રેન ૧૫ નવેમ્બર ૨૦૨૪ પહેલા મળશે. આ ટ્રેનોને નવા રૂટ પર શરૂ કરવામાં આવશે. એક વર્ષમાં ૬૦ નવી વંદે ભારત ટ્રેનો શરૂ થયા બાદ લાખો રેલવે મુસાફરોને જબરદસ્ત લાભ મળવાની આશા છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર, ભારતીય રેલવે અને સ્વતંત્ર કન્સલ્ટન્ટ દ્વારા ચર્ચાના અનેક રાઉન્ડ અને કેસ સ્ટડીના આધારે વંદે ભારત રૂટ પસંદ કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનેક રાઉન્ડની ચર્ચા બાદ રેલવે બોર્ડની મંજૂરી લેવામાં આવે છે અને ત્યારબાદ વંદે ભારત ટ્રેનોના નવા રૂટ નક્કી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં, રેલવેએ ૩૫ રૂટ શોધી કાઢ્યા છે જેના પર વંદે ભારત ટ્રેનો શરૂ કરી શકાય છે. આ સિવાય આ મામલે સતત સંશોધન અને અભ્યાસ ચાલુ છે. એક અધિકારીએ માહિતી આપી છે કે કર્ણાટક, યુપી, મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ, કેરળની સરકારોએ નવા રૂટ પર વંદે ભારત ટ્રેનો માટે રેલવેનો સંપર્ક કર્યો છે અને તેના પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વંદે ભારત શરૂ કરવા માટે વિનંતીઓ આવી છે. જાે કે, ભારતીય રેલ્વે જૂન ૨૦૨૪ સુધીમાં ૧૮ નવા રૂટ પર વંદે ભારત ટ્રેનો અને પછી જુલાઈથી દર પખવાડિયે ચાર નવા રૂટ પર શરૂ કરવાની યોજના ધરાવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વંદે ભારત ટ્રેન ઘણા નવા રૂટ પર શરૂ કરવામાં આવશે. ૩૪ વંદે ભારત ટ્રેનો ઉત્તરના રાજ્યોમાં શરૂ કરવામાં આવશે, જ્યારે ૨૫ દક્ષિણ ભારતમાં શરૂ કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું કે આ વર્ષે જે રૂટ પર વંદે ભારત શરૂ કરવામાં આવશે તેમાં મુંબઈથી શેગાંવ, પુણેથી શેગાંવ, બેલાગવીથી પુણે, રાયપુરથી વારાણસી અને કોલકાતાથી રાઉરકેલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતને બે વંદે ભારત ટ્રેન મળવાની પણ અપેક્ષા છે. આમાંથી એક રૂટ વડોદરા અને પુણે વચ્ચેનો હશે.

Share This Article