અમદાવાદ: તા.ર જી ફેબ્રુઆરીના રોજ શનિવારે પશ્ચિમ રેલવેના લોઅર પરેલ સ્ટેશન પર ૧૧ કલાકના મેગા જમ્બો બ્લોકના કારણે સૌરાષ્ટ્ર અને અમદાવાદને મુંબઈ સાથે જોડતી અનેક ટ્રેનને અસર પહોંચશે. આ જમ્બો મેગા બ્લોકના કારણે આવતીકાલને દુરંતો સહિતની છ મહત્વની ટ્રેનો રદ કરવામાં આવી છે. જેના કારણે અમદાવાદ-મુંબઇ વચ્ચેના પ્રવાસીઓનું આવતીકાલનું શીડ્યુલ ખોરવાય તેવી શકયતા છે. પશ્ચિમ રેલ્વેના લોઅર પરેલ સ્ટેશન પર આવતીકાલે તા.ર ફેબ્રુઆરીએ રાતના ૧૦ કલાકથી બીજા દિવસે સવારના ૯ કલાક સુધી ૧૧ કલાકનો જમ્બો બ્લોક સ્ટેશનની કામગીરી માટે લેવાયો છે, જેના કારણે આવતીકાલે રાજકોટથી ઉપડતી અને આવતી બંને રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ દુરંતો રદ કરવામાં આવી છે.
અમદાવાદથી મુંબઈ આવતી અને જતી તમામ ટ્રેન આવતીકાલે બેથી ત્રણ કલાક મોડી થશે. મેગા બ્લોકના કારણે ઇન્દોર-મુંબઈ દુરંતો, મુંબઈ-વલસાડ પેસેન્જર, ગુજરાત ક્વીન સહિતની ટ્રેન પણ રદ કરવામાં આવતા યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે, સાથે સાથે આવતીકાલે ઓખાથી ઉપડતી ટ્રેન નં. રર૯૪૬ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલને બોરિવલી સ્ટેશન પર રોકી દેવાશે. આથી આ ટ્રેન બોરિવલી-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે રદ રહેશે. ઉપરાંત તા.૩ ફેબ્રુઆરીએ મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ટ્રેન નં. ૧૯૦૧પ મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી તેના નિર્ધાિરત સમય કરતાં મોડી ઉપડશે.
ઉત્તર-પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં પાલનપુર-આબુરોડનાં માવલ-જેટી સ્ટેશન વચ્ચે ડબલિંગ કામગીરી ચાલી રહી હોવાના કારણે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનના રૂટ ડાઇવર્ટ કરાયા છે, જેમાં આજે તા.૧ ફેબ્રુઆરીની ઓખાથી ઉપડતી ટ્રેન નં. ૧૯પ૬પ ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, દિલ્હી સરાઈ રોહિલ્લાના બદલે વાયા અમદાવાદ, વડોદરા, રતલામ, ભરતપુર થઇને ડાયવર્ટ કરાઇ હતી. જ્યારે આજે ટ્રેન નં. ૧૯પ૮૦ દિલ્હી સરાઇ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ વાયા અજમેર, ગોધરા, આણંદ, અમદાવાદ થઇને પસાર થઇ હતી. આમ, મેગા બ્લોકની સીધી અસર અમદાવાદ-મુંબઇ વચ્ચેની ટ્રેનોની આવનજાવન અને તેના રૂટીન શીડયુલ પર પડી છે, જેના કારણે મુસાફરોને આવતીકાલે થોડીઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શકયતા છે.