અમદાવાદ : આવતીકાલે અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને કચ્છથી મુંબઈ તરફ જતી તમામ ટ્રેન એક કલાકથી વધુ સમય માટે મોડી પડશે. મુંબઈ નજીક આવેલા સફાળે રેલવે સ્ટેશન પાસે મેગા બ્લોક જાહેર કરાતાં મુંબઈ તરફ જતી તમામ ટ્રેન મોડી થશે. જેને પગલે અમદાવાદ-મુંબઇ વચ્ચેનું શીડ્યુલ પણ અસર પામશે. મેગા બ્લોકના કારણે જોધપુર-બાંદ્રા ટ્રેન મુંબઈ પહોંચવાના બદલે સુરતથી જ રિટર્ન કરી દેવાશે જ્યારે ફ્લાઈંગ રાણી ટ્રેન કાલે એક દિવસ રદ રહેશે.
આ બ્લોકના કારણે મુંબઈથી આવતી ટ્રેન પણ મોડી પડશે. ગુજરાત એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, બાંદ્રા-ઉદયપુર એક્સપ્રેસ, બાંદ્રા ભૂજ એક્સપ્રેસ, અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ, બાંદ્રા-ભૂજ એક્સપ્રેસ, રાણકપુર એક્સપ્રેસ, ગરીબરથ એક્સપ્રેસ સહિતની ટ્રેન મોડી પડશે.
આ ઉપરાંત રેલવેતંત્ર દ્વારા દિવાળી તહેવારોના પગલે ટ્રેનના ભાડામાં ફ્લેક્સી ફેર નહીં વસૂલવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે, જેને ટૂંક સમયમાં મંજૂરી મળી જશે. તેથી તેનો લાભ રેલ મુસાફરોને મળશે. દિવાળી વેકેશન દરમિયાન ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા વધુ હોય છે. તેથી તહેવારોમાં મુસાફરોના લાભ માટે ફ્લેક્સી ફેર નહીં વસૂલવાની દરખાસ્ત વિધિવત્ રીતે રેલવેબોર્ડને મોકલી આપવામાં આવી છે, જેમાં તહેવારો દરમિયાન મુસાફરોને બમણાથી ત્રણ ગણા ફ્લેક્સી ફેર ચૂકવવામાં રાહત મળી શકે છે. રેલ્વેના પ્રવાસીઓ દિવાળીના તહેવારોના લાભો તાત્કાલિક હવે જાહેર કરાય તેની રાહ જોઇને બેઠા છે.