નવી દિલ્હી : સાઉથ કોરિયાની કંપની સેમસંગ ઇન્ડિયાને ભારત સરકાર દ્વારા 601 મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે 5156 કરોડ રૂપિયાનો ફાઇન કરવામાં આવ્યો છે. સેમસંગ પર આરોપ છે કે, ટેલિકોમ ઇક્વિપમેન્ટના ઇમ્પોર્ટમાં લોચા કરવામાં આવ્યા છે.
ભારત સરકારને ટેક્સ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે સેમસંગ દ્વારા તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. 4G ટેલિકોમ સિસ્ટમ માટે સૌથી મહત્ત્વનો પાર્ટ રીમોટ રેડિયો હેડને સેમસંગ દ્વારા કોરિયા અને વિએતનામમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતો હતો. આ પાર્ટને મોબાઇલ ટાવર પર લગાવવામાં આવે છે જે સિગ્નલને ટ્રાન્સમિટ કરવામાં મદદ કરે છે. એના પર સરકાર દ્વારા 10થી 20 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો હતો. જોકે સેમસંગ દ્વારા 2018થી લઈને 2021 સુધી આ માટે એક પણ ડ્યુટી ભરવામાં નથી આવી.
સેમસંગ દ્વારા આ પાર્ટ્સને મુકેશ અંબાણીના જિયોને સપ્લાઇ કરવામાં આવે છે. આ માટે ઇનવેસ્ટિગેશન કરવામાં આવ્યું અને એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સેમસંગ દ્વારા જાણીજોઈને કસ્ટમને ખોટા ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા જેથી તેઓ આ ટેક્સથી બચી શકે. કસ્ટમ્સ કમિશનર સોનલ બજાજે કહ્યું કે ‘સેમસંગ દ્વારા ભારતના કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. તેમના કારણે બિઝનેસના એથિક્સ અને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની રીત પર પણ સવાલો કરવામાં આવી રહ્યાં છે. સરકાર સાથે ફ્રોડ કરીને કેવી રીતે વધુ પ્રોફિટ મેળવી શકાય એના પર આ કંપનીઓ ફોકસ કરી રહ્યાં છે.’
ટેક્સ ન ભરવા અને એના પર સો ટકા પેનલ્ટી લગાવતાં સેમસંગે એ માટે 4461 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. સેમસંગ ઇન્ડિયાના સાત એક્સીક્યુટીવ પર 685 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ બે રકમ મળીને 5156 કરોડ રૂપિયાનો ફાઇન કરવામાં આવ્યો છે.
જો કે હવે, આ મામલે સેમસંગ દ્વારા કંઈ પણ ખોટું ન કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું છે કે કસ્ટમના ક્લાસિફિકેશનમાં કોઈ ગેરસમજ થઈ હોવાને કારણે આ થયું છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમણે ભારતીય કાયદાનો અમલ કર્યો છે અને પોતાના હકને જાળવી રાખવા માટે કયા કાયદાકિય પગલાં લઈ શકાય એ વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે. સેમસંગ દ્વારા એ પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે કસ્ટમના કર્મચારીઓને આ વિશે વર્ષોથી માહિતી છે.
ઉલ્લેખનીય છે કે, સેમસંગના આ કેસની શરૂઆત ૨૦૨૧માં શરૂ થઈ હતી. ટેક્સ ઇન્સ્પેક્ટર દ્વારા મુંબઈ અને ગુરુગ્રામની ઓફિસ પર રેડ પાડવામાં આવી હતી. ડોક્યુમેન્ટ્સ, ઇમેલ્સ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇઝને સીઝ કરી દેવામાં આવ્યા હતા. ટોચના એક્સિક્યુટીવને સવાલ જવાબ કરવામાં આવ્યા હતા. ૨૦૨૫ની આઠ જાન્યુઆરીએ સેમસંગ વિરુદ્ધ ઓર્ડર કાઢવામાં આવ્યો હતો.
દંડ કરવામાં આવ્યો હોય તેની વિગત:
• નેટવર્ક ડિવિઝનના વાઇસ પ્રેસિડન્ટ સુંગ બીમ હોંગ
• ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર ડોંગ વોન ચું
• ફાઇનાન્સની જનરલ મેનેજર શીતલ જૈન
• ઇનડાયરેક્ટ ટેક્સના જનરલ મેનેજર નિખિલ અગરવાલ સહિત અન્ય ત્રણ વ્યક્તિને દંડ કરવામાં આવ્યો છે.