ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની સામે હવે મેચ ફિક્સિંગના કથિત આરોપસર ભારતીય ક્રિકેટ બોર્ડનું એન્ટી કરપ્શન યુનિટ તપાસ કરશે. શમી પર તેની પત્ની હસિન જહાંએ ઘરેલું હિંસા સહિતના આરોપો મૂકતાં પોલીસ ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતુ કે, શમીએ દુબઈમાં પાકિસ્તાનની યુવતી પાસેથી દુબઈના મોહમ્મદભાઈએ મોકલાવેલા નાણા લીધા હતા. હસિન જહાંના આ આક્ષેપને ગંભીરતાથી લેતાં બોર્ડનું સંચાલન કરી રહેલી વહિવટદારોની સમિતિના વડા વિનોદ રાયે આ આદેશ આપ્યો છે.
બીસીસીઆઇના એન્ટી કરપ્શન યુનિટના વડા નીરજ કુમારને શમી અંગેની તપાસ એક સપ્તાહમાં પુરી કરીને તેનો રિપોર્ટ સીઓએ (કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ)ને સોંપવા માટે જણાવી દેવાયું છે. નોંધપાત્ર છે કે, કોલકાતા પોલીસે શમીના કાર્યક્રમની વિગતો માગીને તપાસ શરુ કરી તે પછી ભારતીય ક્રિકેટ બોર્ડે પણ તેના એન્ટી કરપ્શન યુનિટને તપાસ કરવા જણાવ્યું હતુ. શમીની પત્ની હસિન જહાંએ જારી કરેલા ઓડિયો રેકોર્ડિંગમાં પણ આ બાબતનો ઉલ્લેખ થયેલો જોઈ શકાય છે.
વિનોદ રાયની અધ્યક્ષતાવાળી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સે એન્ટી કરપ્શન યુનિટના વડા નીરજ કુમારને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, તેઓની તપાસમાં ત્રણ મુદ્દા આવી જવા જોઈએ. ૧. મોહમ્મદભાઈ અને અલિશ્બા કોણ છે અને તેમનો શમી સાથેનો સંબંધ. ૨. શું અલિશ્બા મારફતે મોહમ્મદ ભાઈએ કોઈ નાણાં હકીકતમાં મોહમ્મદ શમીને મોકલાવ્યા હતા ? ૩. જો હા, તો તે નાણાં શમીને શા માટે મોકલવામાં આવ્યા હતા. પત્રમાં એન્ટી કરપ્શન યુનિટને એમ પણ જણાવ્યું છે કે, તેઓ આ સિવાય અન્ય આક્ષેપો અંગે તપાસ ન કરે, સિવાય કે તેનાથી ખેલાડીની આચારસંહિતાનો ભંગ થતો હોય.