ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચી દીધો છે. અત્યાર સુધીની વન-ડે ક્રિકેટની સૌથી મોટી જીત નોંધાવતાં ભારતે ૩૧૭ રને ત્રીજી વન-ડેમાં શ્રીલંકાને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. ભારત તરફથી આ વન-ડેમાં કોહલી અને શુભમન ગિલે સદી ફટકારી હતી. કોહલીની ઇનિંગ તો યાદગાર રહેશે. તેણે નોટઆઉટ ૧૫૦ થી વધારેનો સૌથી ઝડપી સ્કોર નોંધાવ્યો હતો.
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી હતી. ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ટીમે પ્લેઇંગ-૧૧માં ૨ ફેરફાર કર્યા હતા. સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્થાન મળ્યું હતું. હાર્દિક પંડ્યા અને ઉમરાન મલિક આ મેચમાં રમ્યા નહોતા. ભારતીય ટીમ શ્રીલંકા સામેની ૩ મેચની શ્રેણીમાં ૩-૦થી ક્લીન સ્વીપ કરીને જીતીછે. આ પહેલા ભારતે ટી૨૦ સિરીઝ પણ ૨-૧થી કબજે કરી હતી. વનડે સીરીઝની વાત કરીએ તો વિરાટ કોહલીએ પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ સિવાય રોહિત અને શુભમન ગીલે પણ અડધી સદીની ઇનિંગ રમી હતી.
બીજી વનડેમાં કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે સારી બોલિંગ કરી હતી. ત્યારે કેએલ રાહુલે ખરાબ શરૂઆત બાદ અણનમ અડધી સદી ફટકારીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના બેટની ચમક ફરી એકવાર જાેવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી વન-ડેમાં સદી ફટકારવા માટે તલપાપડ રહેતા આ દિગ્ગજ ખેલાડીએ હવે સદીનો ધમધમાટ કર્યો છે. તેણે ગયા વર્ષે બાંગ્લાદેશ સામે સદીનો દુષ્કાળ ખતમ કર્યા બાદ આ ત્રીજી સદી ફટકારી છે. શ્રીલંકા સામે રમાઈ રહેલી વનડે સીરીઝની છેલ્લી મેચમાં પણ કોહલીનું બેટ ધમાકેદાર પરફોર્મ કરી રહ્યું છે. આ જ શ્રેણીમાં કોહલીની આ બીજી સદી છે. અગાઉ પહેલી મેચમાં પણ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી.
વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીની આ ૪૬મી સદી હતી. વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર સચિન કરતાં તે માત્ર ત્રણ સદી પાછળ છે. સચિને વનડેમાં ૪૯ સદી ફટકારી છે, જ્યારે કોહલીએ ૪૬ સદી ફટકારી દિધી છે. વિરાટ કોહલી હવે વિશ્વના ૫ સૌથી સફળ ODI બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. વનડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પણ વિરાટે શ્રીલંકાના મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે. શ્રીલંકા સામે રમાયેલી ODI સીરીઝની ત્રીજી મેચ દરમિયાન વિરાટ કોહલીએ ODI ક્રિકેટનો વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે.