નવી દિલ્હી : આતંકવાદ વિરુદ્ધ ભારત હવે એકદમ આકરા પાણીએ છે. પીઓકેમાં ભારતીય વાયુસેના દ્વારા જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર કરાયેલી એર સ્ટ્રાઈકના થોડા દિવસ બાદ જ ભારતીય સેનાએ હવે મ્યાંમારની સરહદમાં ઘૂસીને આતંકીઓના કેમ્પમાં તબાહી મચાવી છે. મ્યાંમાર બોર્ડર પર આતંકીઓના ઠેકાણા નષ્ટ કરી નાખ્યાં. ભારતીય સેના અને મ્યાંમાર સેનાએ સાથે મળીને આ ઓપરેશનને અંજામ આપ્યો.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઉત્તર પૂર્વ માટે મોટા અને મહત્વના ઈર્ન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, જે મ્યાંમારમાં સિતવે પોર્ટ દ્વારા કોલકાતાથી મિઝોરમ સાથે જોડાય છે, તે આ આતંકી સંગઠનોના નિશાન પર હતાં. મ્યાંમારના વિદ્રોહી સમૂહ અરાકન આર્મીએ મિઝોરમ સરહદે નવા કેમ્પ તૈયાર કર્યા હતાં જે કલાદાન પ્રોજેક્ટને નિશાન બનાવી રહ્યાં હતાં. અરાકન આર્મીને કાચિન ઈન્ડિપેન્ડન્સ આર્મી દ્વારા નોર્થ બોર્ડર ચીન સુધી ટ્રેનિંગ અપાઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ વિદ્રોહીઓએ અરુણાચલ સાથે જોડાયેલા વિસ્તારોથી મિઝોરમ સરહદ સુધી ૧૦૦૦ કિમી સુધીની મુસાફરી કરી.
સૂત્રોના જણાવ્યાં મુજબ પહેલા તબક્કામાં મિઝોરમની સરહદ પર નવનિર્મિત કેમ્પોને ધ્વસ્ત કરવા માટે મોટા પાયે સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ઓપરેશનના બીજા ભાગમાં ટાગામાં એનએસસીએન (કે)ના હેડક્વાર્ટરને નિશાન બનાવવામાં આવ્યું તથા અનેક કેમ્પોને નષ્ટ કરાયા.
સૂત્રોના જણાવ્યાં મુજબ રોહિંગ્યા આતંકી સમૂહ અરાકાન આર્મી અને નાગા આતંકી સમૂહ એનએસસીએન (કે) વિરુદ્ધ ૨ સપ્તાહ લાંબુ સંયુક્ત ભારત-મ્યાંમાર ઓપરેશન ચાલ્યું. આતંકી સમૂહોએ કલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટની જેમ ભારતના કનેક્ટિવિટી પ્રોજેક્ટ વિરુદ્ધ હુમલાની યોજના ઘડી હતી.