નવી દિલ્હી : ૧૧ લાખથી વધુ જવાન ધરાવનાર ભારતીય સેનાએ છેલ્લા ૧૫ વર્ષના ગાળામાં દર ત્રીજા દિવસે પોતાના એક જવાનને ગુમાવ્યો છે. એટલે કે દર ત્રીજા દિવસે એક ભારતીય જવાન શહીદ થયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ હાલમાં ખુબ તંગ બનેલા છે. પુલવામા ખાતે ત્રાસવાદી હુમલો કરીને સીઆરપીએફના ૪૦ જવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ ભારતીય હવાઇ દળે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી કેમ્પો પર હુમલા કરવામાં આવ્યા હતા.
હવાઇ હુમલામાં ભીષણ બોંબ ઝીંકવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદથી તંગ Âસ્થતી વચ્ચે પાકિસ્તાને દુસાહસ કરવાના અનેક પ્રયાસો કર્યા છે. ભારતીય સેનાના જાન્યુઆરી ૨૦૦૫થી લઇને ડિસેમ્બર ૨૦૧૮ સુધીના તમામ આંકડા પરથી જાણી શકાય છે કે કુલ એક હજાર ૭૧૪ જવાનો જુદા જુદા બનાવોમાં શહીદ થયા હતા. જેમાં પાકિસ્તાની ગોળીબાર, ત્રાસવાદ વિરોધી ઓપરેશન, જવાબી કાર્યવાહી અને શાંતિ મિશનનો સમાવેશ થાય છે. આ તમામ જુદા જુદા મિશનના ભાગરૂપે ભારતીય સેનાએ મોટી સંખ્યામાં તેના જવાનો ગુમાવ્યા હતા. ૧૫મી જાન્યુઆરીના દિવસે ભારતીય સેનાએ તેના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. માત્ર ૨૦૧૭માં જ ભારતીય સેનાના ૮૭ જવાનો શહીદ થયા હતા. ભારતીય સેનાના આંકડા મુજબ વર્ષ ૨૦૧૬માં ૧૧ ઓફિસર સહિત ૮૬ જવાનો શહીદ થયા હતા. જ્યારે વર્ષ ૨૦૧૫માં ચાર ઓફિસર સહિત ૮૫ જવાનો શહીદ થયા હતા.
જમ્મુ કાશ્મીરમાં દશકોથી ત્રાસવાદી ગતિવિધી ચરમસીમા પર રહી છે. જેથી ત્રાસવાદી વિરોધી ઓપરેશનમાં વધારે જવાનો શહીદ થયા છે. યુદ્ધમાં જેટલા જવાનો શહીદ થયા છે તેના કરતા ત્રાસવાદી વિરોધી ઓપરેશનમાં વધારે જવાનો શહીદ થયા છે.વર્ષ ૨૦૧૪માં પણ મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા હતા. સૌથી નવેસરથી આંકડા પર ધ્યાન કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરના રાજારી જિલ્લામાં અંકુશ રેખા નજીક ઓપરેશનમાં લાન્સ નાઇયક યોગેશ શહીદ થયા હતા. સરહદ પર પાકિસ્તાન દ્વારા અવિરત અને વારંવાર ગોળીબાર કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય સેનાને નુકસાન ઉઠાવવાની ફરજ પડી છે. ભારતીય સેનાએ હાલમાં જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ હાથ ધર્યુ છે. જેમાં ગયા વર્ષે ૨૦૦થી વધુ ત્રાસવાદીઓ ફુંકાયા હતા. જમ્મુ કાશ્મીરમાં હજુ પણ ત્રાસવાદીઓ સામે ઓપરેશન ચાલી રહ્યું છે. વર્ષ ૨૦૧૮માં મોટી પાયે ત્રાસવાદી હુમલા કરવામાં આવ્યા હતા. સાથે સાથે આ વર્ષે પણ પુલવામાં ખાતે સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદીઓ દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હતો.